04 June, 2025 07:47 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ખીર ભવાની મેળો
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલા ગામમાં ગઈ કાલે જેઠ સુદ આઠમે આ વર્ષનો ખીર ભવાની મેળો શરૂ થઈ ગયો છે. કાશ્મીરી પંડિત સમુદાયના હજારો ભાવિકો દૂર-દૂરથી પગપાળા, હાથમાં નારિયેળ, આંખોમાં શ્રદ્ધા અને હૃદયમાં આશા સાથે ખીર ભવાની માતાના મંદિરે પહોંચ્યા હતા. આ મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ કાશ્મીરિયતના આત્માનો ઉત્સવ પણ છે. પહલગામ આતંકવાદી હુમલા પછી કાશ્મીરમાં યોજાયેલો આ સૌથી મોટો કાર્યક્રમ છે.
આ મેળો ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખીર ભવાની મંદિર કાશ્મીરી પંડિતોની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ તનાવ વધ્યો હોવા છતાં યાત્રાળુઓનો ઉત્સાહ અકબંધ છે. શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિસ્તારમાં વ્યાપક સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરનો ઇતિહાસ
ગંગા-ઝેલમની માટીમાંથી બનેલું આ મંદિર રાગ્યદેવી એટલે કે માતા ખીર ભવાનીને સમર્પિત છે. એ શક્તિનું સ્વરૂપ છે અને માતા દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. રાગ્યનો અર્થ કરુણા અથવા કૃપા થાય છે. આ નામ દર્શાવે છે કે દેવી ભક્તોને મુશ્કેલીમાંથી સરળતાથી બચાવે છે. ભક્તો દેવીને ખીર (ચોખા અને દૂધની ખીર) અર્પણ કરે છે એટલે દેવીનું નામ ખીર ભવાની રાખવામાં આવ્યું છે. મહિલાઓ ખાસ કરીને લાલ ચંદન અને ચાંદીની બંગડીઓ અર્પણ કરે છે. પૂજા દરમ્યાન ખાસ મંત્રો ઉચ્ચારવામાં આવે છે. આ સ્થળે દુર્ગા સપ્તશતી, કાત્યાયની સ્તોત્ર અને ચામુંડા સ્તુતિ અસરકારક માનવામાં આવે છે.
ચમત્કારિક તળાવ
ભક્તો અહીં સાત રંગના તળાવને જોવા માટે પણ આવે છે અને મંદિર પણ આ ચમત્કારિક ધોધ જેવા તળાવ પર બનેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પણ કાશ્મીરમાં કોઈ સંકટ આવ્યું ત્યારે તળાવના પાણીનો રંગ બદલાઈ જતો હતો. ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે આ પાણીનો રંગ ઘેરો કાળો થઈ ગયો હતો અને આજે જ્યારે આશાઓ પાછી ફરી રહી છે ત્યારે પાણી આછું વાદળી દેખાઈ રહ્યું છે.