ધનબાદની મહિલાએ કર્યો દાવો : મહાકુંભના અઘોરી બાબા છે ૨૭ વર્ષ પહેલાં ગાયબ થયેલો મારો પતિ

31 January, 2025 10:49 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

અઘોરી બાબા રાજકુમારે આ દાવાનો સ્વીકાર કર્યો નથી અને જણાવ્યું છે કે હું વારાણસીનો સાધુ છું અને આ મારો પૂર્વાશ્રમનો પરિવાર નથી.

ઝારખંડના ધનબાદ જિલ્લાના એક પરિવારે ૨૯ જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ૬૫ વર્ષના અઘોરી બાબા રાજકુમાર અમારા ઘરના સભ્ય ગંગાસાગર યાદવ છે

આમ તો વાતોમાં સાંભળ્યા પ્રમાણે કે ફિલ્મોમાં જોયા પ્રમાણે કુંભમેળામાં પરિવારના સભ્યો ખોવાઈ જાય અને છૂટા પડી જાય, પણ હાલમાં ચાલતા કુંભમેળામાં એક પરિવારને ૨૭ વર્ષ પહેલાં ખોવાઈ ગયેલા પરિવારજનનો કુંભમેળામાં ફરી ભેટો થયો છે.

ઝારખંડના ધનબાદ જિલ્લાના એક પરિવારે ૨૯ જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ૬૫ વર્ષના અઘોરી બાબા રાજકુમાર અમારા ઘરના સભ્ય ગંગાસાગર યાદવ છે જેઓ ૧૯૯૮માં ગાયબ થઈ ગયા હતા. જોકે બાબા રાજકુમારે આ દાવાનો ઇનકાર કર્યો છે.

ગંગા સાગર યાદવ ૧૯૯૮માં પટના ગયા હતા અને ત્યાર બાદ તેમની કોઈ ભાળ મળી નહોતી. પરિવારે ઘણી શોધખોળ કરી પણ તેઓ મળ્યા નહીં. તેમનાં પત્ની ધનવાદેવી પ્રેગ્નન્ટ હતાં અને ખોળામાં બે વર્ષનો દીકરો હતો. પોતાનાં બન્ને બાળકોને તેમણે એકલા હાથે મોટાં કરવાં પડ્યાં છે.

તેમના નાના ભાઈ મુરલી યાદવ જણાવે છે કે ‘અમે ઘણી શોધખોળ કરી પણ વર્ષો વીતતાં ભાઈ મળવાની આશા છોડી દીધી હતી. મહાકુંભમાં અમારા એક સંબંધીએ બાબા રાજકુમારને જોયા અને તેઓ મારા ભાઈ ગંગાસાગર જેવા દેખાતા હોવાથી ફોટો પાડીને અમને મોકલ્યો એટલે અમે તેમને મળવા અને સાથે લઈ જવા અહીં મહાકુંભમાં આવ્યા છીએ.’

અઘોરી બાબા રાજકુમારે આ દાવાનો સ્વીકાર કર્યો નથી અને જણાવ્યું છે કે હું વારાણસીનો સાધુ છું અને આ મારો પૂર્વાશ્રમનો પરિવાર નથી.

યાદવ પરિવાર દાવો કરી રહ્યો છે કે મોટા દાંત, કપાળ પર જૂના ઘાનું નિશાન અને ઘૂંટણ પરનો મોટો ચીરો સાબિત કરે છે તેઓ ગંગાસાગર જ છે. પરિવારે કુંભમેળા પોલીસ પાસે જઈને મદદ માગી છે અને કુંભમેળો પૂરો થયા બાદ DNA ટેસ્ટની માગણી કરી છે.

મુરલી યાદવ જણાવે છે કે ‘અમે કુંભમેળાના અંત સુધી અહીં જ રહીશું. બાબા રાજકુમાર પર નજર રાખીશું અને DNA ટેસ્ટ મૅચ નહીં થાય તો તેમની માફી પણ માગીશું.’

kumbh mela prayagraj uttar pradesh religion religious places national news news