ઝારખંડના હેમંત સોરેને વડાપ્રધાન સાથેની વાતચીત પર મ્હેણું માર્યું, BJPમાં હોબાળો

07 May, 2021 01:05 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Online Correspondent

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એમ કહી દીધું છે કે પીએમ મોદી કોઈની વાત સાંભળતા નથી, તેઓ ફક્ત તેમના મનની વાતો કરે છે.

ફાઇલ તસવીર

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એમ કહી દીધું છે કે પીએમ મોદી કોઈની વાત સાંભળતા નથી, તેઓ ફક્ત તેમના મનની વાતો કરે છે. જો કામની વાત કરતા હોત તો સારું થાત.  ઝારખંડના સીએમ હેમંત સોરેને ગઈરાત્રે 11 વાગ્યે ટ્વિટ કરીને પીએમ મોદીને ફોન પર વાત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.  ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટની વચ્ચે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કર્યો, તેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ સામેલ હતા. જોકે આ વાતચીત પછી હેમંત સોરેને જે ટ્વિટ કર્યું, તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.  આસામના પ્રધાન હિમાંતા બિસ્વા સરમાએ સોરેનના આ ટ્વિટની ટિકા કરતું ટ્વિટ કર્યું હતું.

હેમંત સોરેનના ટ્વિટની ચર્ચા સોશિય મીડિયા અને રાજકારણીઓમાં ગુરુવાર સાંજથી થઈ રહી છે. પીએમ મોદીએ ગુરુવારે દેશના ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાના સહિતના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી હતી.  મીડિયા રિપોર્ટ અનુસાર, હેમંત સોરેન નાખુશ છે કારણ કે તેમને તેમને પોતાના રાજ્યના મુદ્દા રજૂ કરવાની મંજૂરી ન મળી. વડાપ્રધાને ફક્ત Covid -19 ની સ્થિતિ અંગે ચર્ચા કરી. દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સરકાર ઝારખંડમાં શું કરવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના ઝડપથી વધી રહેલા ચેપ પર સરકાર કડક નજર રાખી રહી છે અને સરકાર આ રોગચાળાના સંબંધમાં ઉદભવતા પડકારોનો સામનો કરવા માટે એક વ્યૂહરચના ઘડશે.

અન્ય રાજ્યોની જેમ ઝારખંડ પણ હાલ કોરોનાના સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે રાજ્ય સરકારનો આરોપ છે કે તેને કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય મદદ મળી રહી નથી. હેલ્થ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યા મુજબ રાજ્યને માત્ર 2181 રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય પોતાના સ્તરે બાંગ્લાદેશમાંથી 50 હજાર ઈન્જેક્શન મંગાવવા માંગતુ હતું, જોકે કેન્દ્રએ હજી સુધી પરવાનગી આપી નથી. ઝારખંડ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની બેઠકને લઈને કટાક્ષ કરી ચૂક્યા છે. ભૂપેશ બધેલે કહ્યું હતું કે વડાપ્રધાનની સાથે જે બેઠક થાય છે, તે માત્ર વન-વે હોય છે, કોઈ જવાબ મળતો નથી.

narendra modi jharkhand covid19 coronavirus mann ki baat