14 August, 2025 07:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચને દિલ્હીમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા કાર્યકરને ધક્કો મારીને ઠપકો આપ્યો
જયા બચ્ચન ફરી એક વાર તેમના ગુસ્સાને કારણે ચર્ચામાં છે. મંગળવારે તેમણે દિલ્હીની કૉન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલી એક વ્યક્તિ પર ગુસ્સો કરીને તેને ધક્કો માર્યો હતો અને તેને કહ્યું હતું કે ‘શું કરી રહ્યા છો તમે? આ શું છે?’
જયા બચ્ચનના આ વર્તનથી ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે સોશ્યલ મીડિયા પર તેમનો આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેમના વર્તનની ટીકા કરી રહ્યા છે. આ વાઇરલ વિડિયોમાં જયા લાલ સાડી અને સમાજવાદી પાર્ટીની લાલ ટોપીમાં જોવા મળે છે.
આ વિડિયો પર ઍક્ટ્રેસ અને BJPનાં સંસદસભ્ય કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે અને જયા બચ્ચનને સૌથી બગડેલાં અને વિશેષાધિકાર પ્રાપ્ત મહિલા ગણાવ્યાં છે. કંગનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટની સ્ટોરીમાં આ વિડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે કે ‘સૌથી બગડેલાં અને વિશેષાધિકાર પ્રાપ્ત મહિલા. લોકો તેમનાં નખરાં કે પછી બેવકૂફીઓ ફક્ત એટલા માટે સહન કરે છે કારણ કે તેઓ અમિતાભ બચ્ચનજીનાં પત્ની છે. સમાજવાદી ટોપી કૂકડાની કલગી જેવી લાગે છે, જ્યારે તેઓ પોતે કૂકડા જેવાં લાગે છે.’