J&K: CRPFના કાફલા પાસે ફરી કારમાં વિસ્ફોટ

30 March, 2019 02:57 PM IST  |  જમ્મૂ

J&K: CRPFના કાફલા પાસે ફરી કારમાં વિસ્ફોટ

જમ્મૂ-કશ્મીરમાં કારમાં બ્લાસ્ટ

14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર થયેલા હુમલાના દોઢ મહિના બાદ ફરી જમ્મૂ-કશ્મીરના હાઈવે પાસેથી પસાર થઈ રહેલા CRPFના કાફલા પર જબરદસ્ત કાર વિસ્ફોટ થયો છે. કારમાં થયેલો વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા. વિસ્ફોટની સૂચના મળતા જ સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. કારના વિસ્ફોટને જોતા રાજ્યમાં હાઈ અલર્ટ લાગૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી ફરી એક વાર સીમા પર તણાવ વધી ગયો છે.

કારમાં આ વિસ્ફોટ જમ્મૂ-કશ્મીરના રામવનના બનિહાલમાં હાઈવે પર થયો છે. મળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ જમ્મૂ કશ્મીર હાઈવે પર જવાહર ટનલ પાસે થયો છે. ન્યૂઝ એજન્સી ANIના અનુસાર જ્યારે કારમાં વિસ્ફોટ થયો ત્યારે હાઈવે પરથી CRPFનો કાફલા પસાર થઈ રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એક સેંટ્રો કારમાં થયો.


CRPFનું વાહન ક્ષતિગ્રસ્ત

CRPFના અનુસાર શનિવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે જમ્મૂ-કશ્મીરમાં બનિહાલ પાસે એક સિવિલ કારમાં વિસ્ફોટ થયો. એ સમયે CRPFનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. વિસ્ફોટથી કાર બળીને ખાક થઈ ગઈ છે. સાથે CRPFના કાફલામાં સામેલ એક વાહનને પણ થોડું નુકસાન થયું છે. જો કે CRPFના જવાનો સુરક્ષિત છે અને તેને કોઈ જ નુકસાન નથી થયું. વિસ્ફોટની તપાસ ચાલુ છે.

કારમાં સિલિંડર ફાટવાથી વિસ્ફોટની આશંકા

ન્યૂઝ એજન્સી ANIએ CRPFના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે કારમાં સિલિંડર ફાટવાના કારણે વિસ્ફોટ થયો છે. જે સમયે વિસ્ફોટ થયો છે, ત્યાંથી કેટલેક દૂર જ CRPFનો કાફલો હાજર હતો. પુલવામા આતંકી હુમલા બાદ CRPFના કાફલા પાસે ફરી એકવાર કાર વિસ્ફોટ થવાના કારણે મામલાની સંવેદનશીલતા વધી ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં સુરક્ષા એજન્સીઓને લાગી રહ્યું છે કે કદાચ તે કોઈ પ્રકારનો હુમલો નહોતો.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : 3 આતંકીઓ ઠાર

કાર માલિકની થઈ રહી છે ઓળખ

જો કે સુરક્ષા એજન્સીઓ તમામ આશંકાઓ પર મામલાની તપાસ કરી રહી છે. કારના માલિકની  ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ સુરક્ષા એજન્સીઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર વિસ્ફોટ સ્થળ સુધી કઈ રીતે પહોંચી. કોઈ પણ પ્રકારની આશંકાઓને જોતા રાજ્યમાં હાઈ અલર્ટ લાગૂ કરી દેવામાં આવ્યો છે.