ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના એક જવાન શહીદ, એક ઘાયલ: મીડિયા રિપોર્ટ્સ

02 September, 2020 01:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના એક જવાન શહીદ, એક ઘાયલ: મીડિયા રિપોર્ટ્સ

પ્રતિકાત્મક તસવીર

ગલવાન બાદ પેંગોગ લેક નજીક લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પાસે ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરીના પ્રયાસો વધાર્યા અને ભારતીય લશ્કરે સમયસર પગલાં લઇને ચીનને માત આપી હતી. હવે વિદેશી મીડિયા દ્વારા એવા દાવા કરવામાં આવ્યા છે કે, લદ્દાખના દક્ષિણી પેંગોન્ગના વિવાદિત વિસ્તારમાં ચીન સાથે ઝપાઝપીમાં ફરી ભારતના એક જવાન શહીદ થયા છે અને એક ઘાયલ થયા છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રામણે, આ જવાન મૂળ તિબેટીયન હતા અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)માં તહેનાત હતા. 29-30 ઓગસ્ટની રાતે ચીનની નજીક 500 સૈનિકો એક પહાડી પર કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલાં પાંચ જૂને લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. તેમાં 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ અંદાજે 35 જેટલા જવાનોના મોત થયા હતા. જોકે તે વિશે હજી કોઈ ખુલાસો થયો નથી.

આ પણ વાંચો: India China Tension: USAએ ચીનને સખણા રહેવા કહ્યું

તિબેટીયન સાંસદના દેશ નિકાલ કરાયેલા સભ્ય નામગ્યાલ ડોલકર લધિયારીએ મંગળવારે એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું કે, શનિવારે રાતે સંઘર્ષ દરમિયાન તિબેટિયન મૂળના જવાન શહિદ થયા છે. જોકે તેમણે આ જવાનનું નામ નથી જણાવ્યું. તેમણે એક જવાન ઘાયલ થયા હોવાની વાત પણ કરી છે.

દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એટલે કે બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા રશિયા જવા રવાના થયા છે. સૂત્રો કહે છે કે, આ દરમિયાન રાજનાથ સિંહ પાસે તેમના ચીની સમકક્ષને મળવાનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

national news india china ladakh