12 May, 2025 02:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના ડ્રોનને ગઈ કાલે નવી દિલ્હીના નૅશનલ મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની સેનાએ શનિવારે ગોળીબાર કર્યો અને ડ્રોનથી હુમલા કર્યા એમાં ભારતીય સેનાના ત્રણ જવાન અને ભારતીય વાયુસેના (IAF)ના એક સૂબેદાર મેજર પણ શહીદ થયા છે. આ ઉપરાંત બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સાત સૈનિકો ઘાયલ થયા હતા.
ભારતની સ્પષ્ટ વાત, કાશ્મીરમુદ્દે ત્રીજા કોઈ પક્ષની મધ્યસ્થતા માટે તૈયાર નહીં
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સંઘર્ષ વિરામ છે અને કૂટનીતિક ચર્ચાઓનો દોર ચાલે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કાશ્મીરમુદ્દે મધ્યસ્થતાની વાત કરી છે જેને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકારી છે, પણ ભારતે મધ્યસ્થતાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ ભારતે સ્પષ્ટ કર્યું છે કે ‘કાશ્મીરમુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. આ મુદ્દે ત્રીજા પક્ષની દખલ અમને જોઈતી નથી. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા તૈયાર હોય તો વાતચીતના દરવાજા ખુલ્લા છે. ભારત માત્ર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને ભારતને પાછા સોંપવાના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.’