24 July, 2025 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાસપોર્ટ
જગતભરના પાસપોર્ટનું મૂલ્યાંકન કરતા હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ રૅન્કિંગમાં ભારતે મોટો જમ્પ નોંધાવ્યો છે અને ભારત ૮ સ્થાન ઉપર આવીને ૭૭મા સ્થાને પહોંચી ગયું છે. એનો અર્થ એ છે કે ભારતીય પાસપોર્ટધારકો હવે ૫૯ દેશોમાં વીઝામુક્ત મુસાફરી કરી શકે છે. આ વધારો મજબૂત રાજદ્વારી સંબંધો અને ભારતીય પ્રવાસીઓ માટે થોડી વધુ સ્વતંત્રતા દર્શાવે છે. ઇન્ડેક્સ ટ્રૅક કરે છે કે કયા પાસપોર્ટ વિશ્વભરમાં સૌથી વધુ દેશોના દરવાજા ખોલે છે. હવે ભારતીયો જે ૫૯ દેશોમાં વીઝામુક્ત મુસાફરી કરી શકે છે એમાં મૉલદીવ્ઝ, થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, નેપાલ, ભુતાન, મૉરિશ્યસ, કતર, ફિજી, લાઓસ, બાર્બેડોઝ, બોલિવિયા, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ્સ, કુક આઇલૅન્ડ્સ, ઇથિયોપિયા, હૈતી, ઈરાન, જમૈકા, કઝાખસ્તાન, મડાગાસ્કર વગેરેનો સમાવેશ થાય છે. શ્રીલંકા, મકાઉ, મ્યાનમાર વગેરે જેવા દેશો ભારતીયોને વીઝા-ઑન-અરાઇવલ આપે છે.
સિંગાપોર નંબર વન
સિંગાપોરના પાસપોર્ટથી ૧૯૩ દેશોમાં વીઝામુક્ત એન્ટ્રી મળી શકે છે. જપાન અને સાઉથ કોરિયા ૧૯૦ દેશ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે ડેન્માર્ક, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, આયરલૅન્ડ, ઇટલી અને સ્પેન છે જેના પાસપોર્ટને ૧૮૯ દેશોમાં વીઝા-ફ્રી એન્ટ્રી મળે છે. યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા આ લિસ્ટમાં છટ્ઠા અને દસમા નંબરે છે. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશોમાંથી ચીન ૬૦મા અને પાકિસ્તાન ૧૦૩મા નંબરે છે.