24 November, 2026 12:31 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
આંતરરાષ્ટ્રીય બાબતો પર હાઈ-ક્વૉલિટી રિસર્ચ કરવા માટે જાણીતા ઑસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા લોવી ઇન્સ્ટિટ્યૂટના ‘એશિયા પાવર ઇન્ડેક્સ 2026’ મુજબ ભારતે એશિયાના ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકેનું સ્થાન મજબૂત કર્યું છે અને મોટા પાવરહાઉસ તરીકે ઊભરી આવ્યું છે. પ્રથમ બે સ્થાન પર અનુક્રમે અમેરિકા અને ચીન રહ્યા હતા. ભારતનો સ્કોર ૦.૫ પૉઇન્ટ વધીને ૪૦.૫ થયો છે, જેનાથી ૨૦૧૮માં ઇન્ડેક્સ શરૂ થયા બાદ ચીન સાથેનું અંતર સૌથી ઓછું રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજા સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતાનો ક્રમ મળ્યો છે, જોકે ગલ્ફ સંઘર્ષમાં ભારતના લો-પ્રોફાઇલ વલણની અસર તેમના વૈશ્વિક નેતૃત્વના મૂલ્યાંકન પર પડી હતી.
૨૭ દેશો અને પ્રદેશોના ૧૩૧ માપદંડો પર આધારિત અહેવાલ મુજબ સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોને બ્રહ્મોસ મિસાઇલના વેચાણ, સંરક્ષણસહયોગ અને સ્થિર વેપાર-રોકાણથી ભારતનો પ્રભાવ વધ્યો છે. ભારતે સાંસ્કૃતિક પ્રભાવમાં સૌથી વધુ ૨.૩ પૉઇન્ટનો સુધારો નોંધાવીને ૪૩.૮ સ્કોર મેળવ્યો છે; જ્યારે સંરક્ષણ-નેટવર્કમાં ૨.૧, ભવિષ્યનાં સંસાધનોમાં ૧.૨ અને સૈન્ય ક્ષમતામાં ૦.૫ પૉઇન્ટનો વધારો થયો છે. આર્થિક ક્ષમતા ૦.૭ પૉઇન્ટ ઘટીને ૨૬.૪ થઈ છે, જ્યારે રાજદ્વારી પ્રભાવ ૭૦.૩ પર સ્થિર રહ્યો છે.
અમેરિકા ૭૮.૯ અને ચીન ૭૩.૬ સ્કોર સાથે ટોચનાં બે સુપરપાવર તરીકે યથાવત્ રહ્યાં છે, પરંતુ બન્ને વચ્ચેનું અંતર ઘટીને વિક્રમી નીચલા સ્તરે ૫.૩ પૉઇન્ટ રહ્યું છે. ઈરાન યુદ્ધ, દંડાત્મક ટૅરિફ અને સાઉથ કોરિયા સાથેની સૈન્ય-કવાયત ઘટાડવાની માગણીઓને કારણે અમેરિકાનો રાજદ્વારી પ્રભાવ ૬ પૉઇન્ટ ઘટીને ૭૬.૭ થયો છે.
દેશમાં સર્વાઇકલ કૅન્સરના કેસને રોકવા માટે હ્યુમન પૅપિલોમાવાઇરસ વૅક્સિન (HPV)ના ૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આ પ્રકારના કૅન્સરને રોકવાના પ્રયાસોમાં આ એક મોટી સિદ્ધિ છે. આ જાણકારી આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ સોશ્યલ મીડિયા દ્વારા શૅર કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોની પ્રશંસા કરી છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાક્રિષ્નને પણ આ સિદ્ધિ માટે પ્રશંસા કરીને કહ્યું હતું કે ‘૯ મહિનાથી ઓછા સમયમાં HPV રસીના ૧ કરોડથી વધુ ડોઝ આપવામાં ભારતની સફળતા સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં એક મોટી સફળતા છે. હું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાજ્ય સરકારો અને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે સંકળાયેલા તમામ આરોગ્યસંભાળ વ્યાવસાયિકોની પ્રશંસા કરું છું.’
આ વૅક્સિન સર્વાઇકલ કૅન્સર સિવાય ગુપ્તાંગો અને ગળાના કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ૧૪ વર્ષ કે એનાથી વધારે ઉંમરની છોકરીઓને તેમનાં માતા-પિતાની સંમતિથી આ રસી આપવામાં આવી હતી.