10-12 દિવસમાં જ પાકિસ્તાનને મસળી નાખીશું: નરેન્દ્ર મોદી

29 January, 2020 02:48 PM IST  |  New Delhi

10-12 દિવસમાં જ પાકિસ્તાનને મસળી નાખીશું: નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના કરીઅપ્પા પરેડ ગ્રાઉન્ડ પર એનસીસી કૅડેટની રૅલી ૨૦૨૦નું ગાર્ડ ઑફ ઓનર લીધું હતું. તેમની સાથે ડીજી એનસીસી લેફટનન્ટ જનરલ રાજીવ ચોપરા પણ હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે આયોજિત એનસીસીના એક કાર્યક્રમમાં દેશની રાજધાની દિલ્હીની ધરતી પરથી પાડોશી રાષ્ટ્ર કે જે આતંકવાદને પોષે છે તે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર ફરી એકવાર લલકારતાં કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણો પાડોશી દેશ આપણી સાથે ત્રણ વખત લડાઈ હારી ચૂક્યું છે અને જો ફરી ભૂલ કરશે તો આપણા સશસ્ત્ર દળોને તેમને (પાકિસ્તાનને) હરાવવામાં ૧૦-૧૨ દિવસથી વધારે સમય નહીં લાગે. અન્ય શબ્દોમાં કહીએ તો પાક સામે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક કરનાર પીએમ મોદીએ પાકિસ્તાનને ફરીથી લલકારતાં કહ્યું કે ભારત ધારે તો પાકિસ્તાનને માત્ર ૧૦ દિવસમાં જ મસળીને મૂકી દે તેટલી સૈન્ય તાકાત ધરાવે છે.

ભારતે હમણાં જ ૨૬મીએ ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમ્યાન દેશ અને દુનિયાને પોતાની સૈન્ય શક્તિનો પરિચય આપ્યો હતો. ૨૬મીના કાર્યક્રમ બાદ આજે ૨૮મીએ દિલ્હીમાં નૅશનલ કેડેટ કોર્પ્સ(એનસીસી) જવાનોના એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ ઉપસ્થિત રહીને તેમને પ્રેરણા આપી હતી અને રાજકીય પ્રહારોની સાથે પાડોશી રાષ્ટ્રને પણ ચીમકી આપી હતી કે ભારતનું સૈન્ય બળ એટલું મજબૂત અને કૂનેહ રણનીતિ ધરાવે છે કે પાકિસ્તાનને હરાવવામાં ૧૦-૧૨ દિવસથી વધારે સમય નહીં લે. તેમણે કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણો પાડોશી દેશ આપણી સાથે ત્રણ વખત લડાઈ હારી ચૂક્યું છે. આપણા સશસ્ત્ર દળોએ તેમને હરાવવા ૧૦-૧૨ દિવસથી વધારે સમય નહીં લાગે. તેઓ દાયકાઓથી ભારતની સામે પરોક્ષ યુદ્ધ( પ્રોક્સી વૉર) લડી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો, જવાનોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાન ભારતની સૈન્ય તાકાત જાણે છે. તેથી તે ભારતની સામે સીધા યુદ્ધમાં ઊતરે તો ભારત વધુમાં વધુ ૧૦થી ૧૨ દિવસમાં જ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દે તેમ છે. એથી ભારતની સામે પ્રોક્સી વૉર એટલે કે આતંકવાદને ભડકાવીને પરોક્ષ યુદ્ધ લડી રહ્યું છે છતાં એ ભારતની સામે ફાવી નહીં શકે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતના અભિન્ન અંગ સમાન જમ્મુ-કાશ્મીર માટેની અનુચ્છેદ-૩૭૦ હંગામી હતી, માટે તેને દૂર કરવામાં આવી છે. કાશ્મીરના કેટલાક લોકો-પરિવારો તેના પર પોતાના અંગત રાજકીય હિતો ખાતર રાજકારણ કરતા રહ્યા છે, ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજનું અપમાન થતું રહ્યું અને તેઓ ફક્ત પોતાની મત બૅન્ક જ જોતા હતા. ૭૦ વર્ષ બાદ કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવવામાં આવી છે એ અમારી જવાબદારી હતી.

narendra modi new delhi national news pakistan india