09 June, 2026 09:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી બેઠક પછી પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કરતા ઇન્ડી અલાયન્સના નેતાઓ
નવી દિલ્હીમાં મળેલી વિપક્ષી ગઠબંધન ઇન્ડી (Indian National Developmental Inclusive) અલાયન્સની બેઠક બાદ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), ચૂંટણી ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના આક્ષેપ સાથે ગઠબંધન દ્વારા દેશના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI)ને પત્ર લખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. એ ઉપરાંત લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર NEET-UG અને CBSE પરીક્ષાની ગેરરીતિઓના મુદ્દે કેન્દ્રીય શિક્ષણપ્રધાનના તાત્કાલિક રાજીનામાની પણ કડક માગણી કરવામાં આવી છે.’
ખડગેએ રણનીતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે હવેથી ગઠબંધનના નેતાઓ રાષ્ટ્રીય રાજકારણની સમીક્ષા કરવા દર બે મહિને મળશે અને આગામી ઔપચારિક બેઠક ૮ ઑગસ્ટે યોજાશે. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન સરકારને ઘેરવા માટે વિપક્ષી નેતાની ઑફિસમાં દરરોજ સવારે રણનીતિ ઘડવા મીટિંગ થશે. વધુમાં તેમણે આર્થિક સંકટ, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગણી કરી હતી.
આ બેઠકમાં મમતા બૅનરજી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને સુપ્રિયા સુળે સહિત ૨૫ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે AAP અને DMK ગેરહાજર રહ્યા હતા. સામા પક્ષે BJPના નેતા બ્રજેશ પાઠકે આ ગઠબંધનને જનસમર્થન વિનાનું અને માત્ર સત્તાના ભૂખ્યા લોકોનું ટોળું ગણાવીને આકરા પ્રહાર કર્યા હતા.
ઇન્ડી અલાયન્સની બેઠકમાં શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વર્ચ્યુઅલી એટલે કે વિડિયો-કૉન્ફરન્સ દ્વારા હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં સર્વેસર્વાં મમતા બૅનરજીને ‘શેરની’ કહીને તેમની પ્રશંસા કરી હોવાનું ચર્ચાયું હતું.
રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે યોજાનારી ઇન્ડી ગઠબંધનની બેઠક પહેલાં જ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યાં હતાં. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં લાગેલાં આ બૅનરોમાં શરદ પવાર, મમતા બૅનરજી, અરવિંદ કેજરીવાલ અને ઉદયનિધિ સ્ટૅલિન જેવાં સાથી-નેતાઓએ ભૂતકાળમાં રાહુલ ગાંધીની કરેલી ટીકા દર્શાવવામાં આવી હતી. આ બૅનરો કોણે લગાડ્યાં એ રહસ્ય છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધનમાં આંતરિક ખટરાગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કૉન્ગ્રેસે તામિલનાડુમાં DMK સાથેનું જૂનું ગઠબંધન તોડીને અભિનેતા વિજયની પાર્ટી TVK સાથે હાથ મિલાવતાં DMKએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.