તેલંગણમાં મુક્તિ દિવસની ઉજવણીમાં પક્ષો રાજકીય મતભેદથી મુક્ત ન થઈ શક્યા

18 September, 2022 08:48 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે આ રાજ્યના નિઝામના શાસનમાંથી ભારતીય સંઘમાં વિલયની ‘તેલંગણ રાષ્ટ્રીય વિલય દિવસ’ તરીકે ઉજવણી કરી હતી

ફાઇલ તસવીર

તેલંગણમાં ગઈ કાલે મુક્તિ દિવસની ઉજવણીમાં રાજકીય વિચારસરણીની રીતે બે ભાગલા પડી ગયા હતા. મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે આ રાજ્યના નિઝામના શાસનમાંથી ભારતીય સંઘમાં વિલયની ‘તેલંગણ રાષ્ટ્રીય વિલય દિવસ’ તરીકે ઉજવણી કરી હતી. એનાથી થોડા જ કિલોમીટરના અંતરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ જ ઐતિહાસિક ઘટનાની ઉજવણી કરી હતી, પરંતુ એનું અલગ નામ ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ આપ્યું હતું. વાસ્તવમાં ગઈ કાલની તારીખે જ ૧૯૪૮માં હૈદરાબાદ સ્ટેટ ભારતીય સંઘમાં સામેલ થયું હતું. તેલંગણમાં તેલંગણ રાષ્ટ્ર સમિતિને પડકારવાની સ્થિતિમાં કૉન્ગ્રેસ નથી ત્યારે બીજેપીને તેલંગણમાં તકો દેખાઈ રહી છે. તેલંગણના મુખ્ય પ્રધાને નમપલ્લી ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે અમિત શાહે સિકંદરાબાદમાં ​ત્રિરંગો ફરકાવ્યો હતો. અમિત શાહે રૅલીમાં કહ્યું હતું કે ‘અહીંના લોકોની ઇચ્છા હતી કે રાજ્ય સરકારની ભાગીદારીથી હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી થવી જોઈએ. જોકે અહીં શાસન કરનારાઓ વોટ બૅન્કના રાજકારણના કારણે હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવાનું સાહસ કરી શકતા નથી.’ 

national news telangana hyderabad amit shah