19 May, 2025 06:48 AM IST | Telangana | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના (Hyderabad Fire) બની છે. અહીં જાણીતા ચારમિનાર પાસે ગુલઝાર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. રવિવારની વહેલી સવારે આ આગ લાગી હતી. એક રહેણાંક અને એક કમર્શિયલ એવી આ બિલ્ડિંગમાં ૧૭ લોકોના મોત થયા છે. જ્યારે ૧૦થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
જે લોકોના મોત થયા છે, તેમાં આઠ બાળકો અને પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં હૈદરાબાદમાં બનેલી આ સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. અહેવાલો સૂચવે છે કે આ આગ સવારે 5:30 વાગ્યાની આસપાસ લાગી હતી જ્યારે મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતા.
આગ (Hyderabad Fire) બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલી મોતીની દુકાનમાંથી શરૂ થઈ હતી ત્યારબાદ આગ અને ધુમાડો થોડી જ વારમાં આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી લોકોના મોત થયા છે. જેવી આ ઘટનાની માહિતી આપવામાં આવી કે તરત જ ફાયર વિભાગના 11 એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જેમાં લંગર હૌજ, મોગલપુરા, ગોલાગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોથી ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ટેન્ડર, બ્રોન્ટો સ્કાયલિફ્ટ, વોટર ટેન્ડર અને ફાયર ફાઇટીંગ રોબોટની પણ મદદ લઈને રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.
આ તમામ ઘાયલોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગનું કહેવું છે કે આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે, જેની વિગતવાર તપાસ ચાલી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક (Hyderabad Fire) વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેઓએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે- તેલંગાણાના હૈદરાબાદમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
રાજનાથસિંહે લખ્યું હતું કે - હૈદરાબાદમાં આગની દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું. મારા સંવેદન તે તમામ લોકો સાથે છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના કરું છું.
કેન્દ્રીયમંત્રી અને બીજેપી અધ્યક્ષ જી. કિશન રેડ્ડીએ કહ્યું કે - આજે હૈદરાબાદના ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ ખાતે આગ દુર્ઘટના (Hyderabad Fire) સ્થળની તપાસ કરી હતી. બચાવ અને રાહત કામગીરી અંગે સ્થિતિ સંભાળતા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમને તાત્કાલિક તબીબી સહાય અને મદદ પૂરી પાડવા વિનંતી કરી હતી. ભારત સરકાર જરૂરી સમર્થન અને સહાય પૂરી પાડશે. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે ઇમારતોના અગ્નિ સુરક્ષા ઓડિટ સહિત તમામ જરૂરી સાવચેતીઓ રાખવી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
શરૂઆતના અહેવાલો અનુસાર લગભગ 20 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સીએમઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.