બિલ્કિસ બાનો કેસના દોષીઓની મુક્તિના મામલે સુપ્રીમમાં ૨૭ માર્ચે સુનાવણી

25 March, 2023 01:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાવીસમી માર્ચે ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડે આ મામલાનું તાત્કાલિક લિસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો અને તેઓ આ અરજીઓ પર સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવા માટે સંમત થયા હતા. 

પ્રતીકાત્મક તસવીર

બિલ્કિસ બાનો ગૅન્ગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં ૧૧ દોષીઓની સજામાં કરવામાં આવેલા ઘટાડાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ૨૭ માર્ચે સુનાવણી હાથ ધરશે. જસ્ટિસ કે. એમ. જોસેફ અને બી. વી. નાગરત્નાની બેન્ચ બિલ્કિસ દ્વારા કરવામાં આવેલી એક રિટ પિટિશન તેમ જ અનેક પૉલિટિકલ ઍક્ટિવિસ્ટ્સ તેમ જ નાગરિકોના અધિકારો માટે લડત લડતા ઍક્ટિવિસ્ટ્સ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરશે. બાવીસમી માર્ચે ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડે આ મામલાનું તાત્કાલિક લિસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો અને તેઓ આ અરજીઓ પર સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવા માટે સંમત થયા હતા. 

ચોથી જાન્યુઆરીએ જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ. ​ત્રિવેદીએ બિલ્કિસ અને અન્ય લોકોની આ કેસમાં અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી. જોકે જસ્ટિસ ​ત્રિવેદી કોઈ કારણ આપ્યાં વિના આ કેસની સુનાવણીમાંથી ખસી ગયાં હતાં. રાજ્ય સરકાર દ્વારા ૧૧ દોષીઓને તેમની સજાની મુદત કરતાં વહેલા છોડવાના નિર્ણયને પડકારતી અરજી બિલ્કિસે ગયા વર્ષે ૩૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. 

national news Gujarat Crime gujarat news gujarat supreme court new delhi delhi news