News In Shorts:ગુજરાતે ગોધરાકાંડના દોષીઓની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો

04 December, 2022 10:42 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગુજરાત સરકારે ૨૦૦૨માં ગોધરામાં ટ્રેનને સળગાવવાના કેસના કેટલાક દોષીઓની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ

ગુજરાતે ગોધરાકાંડના દોષીઓની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ગુજરાત સરકારે ૨૦૦૨માં ગોધરામાં ટ્રેનને સળગાવવાના કેસના કેટલાક દોષીઓની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે તેઓ માત્ર પથ્થર ફેંકનારા લોકો નહોતા, પરંતુ તેમના આ હુમલાના કારણે લોકો સળગતા કોચમાંથી બહાર નીકળી નહોતા શક્યા. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને બાળવામાં આવતાં ૫૯ લોકોનાં મોત થયાં હતાં, જેના પછી રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બેન્ચ સમક્ષ શુક્રવારે સુનાવણી માટે આ મામલો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ દોષીઓમાંથી દરેકનો પોતાનો રોલ શું હતો એના વિશે વિગતો આપવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. અદાલત ૧૫ ડિસેમ્બરે વધુ સુનાવણી કરશે. 

દિલ્હી કૉર્પોરેશનની ચૂંટણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હી ઃ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આજે સારી રીતે પાર પડે એ માટે લગભગ ૪૦,૦૦૦ પોલીસ, ૨૦,૦૦૦ હોમ ગાર્ડ્સ સાથે અર્ધલશ્કરી અને સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સની ૧૦૮ કંપનીઓને તહેનાત કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા માટે ૬૦ ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવશે. ૨૫૦ વૉર્ડ્સમાં મતદાન દરમ્યાન કોમી રમખાણો ટાળવા અને ખોટી રીતે મતદાતાઓને લલચાવવાની કોશિશ કરતા ઉમેદવારોને રોકવા પર સુરક્ષા એજન્સીઓનું ખાસ ફોકસ હશે. 

national news gujarat news supreme court