એક ભાઈ પદ માટે યાત્રા કરે છે : મોદી

24 November, 2022 11:21 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉત્તર ગુજરાતના મહેસાણામાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાને કૉન્ગ્રેસ પર કર્યા આક્ષેપ

મહેસાણામાં નરેન્દ્ર મોદીની ચૂંટણીસભામાં ઉપસ્થિત રહેલા લોકો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાને કૉન્ગ્રેસ પર કર્યા આક્ષેપ અને કહ્યું કે કૉન્ગ્રેસનું મૉડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચારઃ વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ સંપ્રદાયવાદ : દાહોદમાં ચૂંટણીસભાને સંબોધતાં તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કૉન્ગ્રેસના નેતા પર કર્યા શાબ્દિક હુમલા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે ઉત્તર ગુજરાતના મહેસાણામાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના મૉડલે ગુજરાતને તબાહ કર્યું છે, દેશ આખાને બરબાદ કરી દીધો છે.

ગુજરાતમાં ગઈ કાલે નરેન્દ્ર મોદીએ મહેસાણા, દાહોદ અને વડોદરામાં ચૂંટણીસભાને સંબોધી હતી. મહેસાણામાં ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનું મૉડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર. કૉન્ગ્રેસનું મૉડલ એટલે એના મૉડલની એક જ ઓળખાણ; ભાઈ-ભત્રીજાવાદ. કૉન્ગ્રેસનું મૉડલ એટલે વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ. કૉન્ગ્રેસના મૉડલની પહેચાન સંપ્રદાયવાદ, વોટબૅન્ક પૉલિટિક્સ. આ જ કૉન્ગ્રેસની પહેચાન. અને કૉન્ગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો, સમાજના જેટલા ટુકડા થઈ શકે એટલા કરો. આ જ કર્યા કરવાનું અને બીજી કરામત એવી કે લોકોને પછાત જ રાખવાના. કૉન્ગ્રેસના આ મૉડલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધો છે.’

તેમણે કહ્યું હતું કે ‘બીજેપી એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતાં દળ મહાન અને દળ કરતાં દેશ મહાન; આ અમારા સંસ્કાર છે. બીજેપીનો મંત્ર છે-ગળથૂથીમાં છે; સૌનો સાથ, સૌનો વિકાસ. વહાલા-દવાલા નહીં, ભેદભાવ નહીં. એટલે દેશના યુવાનોને ભરોસો પડે છે. અંધકાર યુગમાંથી પ્રકાશયુગમાં લાવવા અમે પ્રયાસ કર્યો.’

તેમણે એમ પણ કહ્યું હતું કે ‘ગુજરાતના જુવાનિયાઓએ વિજયી ધ્વજ પોતાના હાથમાં ઉપાડી લીધો છે. માતા-બહેનો મેદાનમાં ઊતરી છે અને એટલે જ્યાં જઈએ ત્યાં એક જ નારો સંભળાય છે, ફરી એકવાર બીજેપી સરકાર. દેશની યુવાપેઢી આજે બીજેપી તરફ ભળી છે. બીજેપીનો ઝંડો લઈને આગળ વધી રહી છે. આ આંખે પાટા બાંધીને નીકળેલી પેઢી નથી. એક-એક પગલાનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે, મૂલ્યાંકન કરે છે અને પછી નિર્ણય કરે છે કે કયા રસ્તે જવું છે. તેમણે જોયું છે કે કૉન્ગ્રેસ પાર્ટી ભૂતકાળમાં સરકારો ચલાવતી હતી એ વ્યવહાર કેવો હતો? અને એટલે તેમને લાગે છે કે દેશને આગળ લઈ જવો હશે, આવનારાં ૨૫ વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવવો હશે તો બીજેપીની નીતિ, રીતિ અને રણનીતિ જ કામ આવવાની છે.’

દાહોદમાં ચૂંટણીસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવતાં અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘એક ભાઈ પદ માટે યાત્રા કરે છે. પદ માટે કોઈ યાત્રા કરે, કંઈ વાંધો નહીં, લોકશાહીમાં હોય, પણ કેવું ભાષણ કરે છે? પદ માટે ફાંફાં મારતા લોકોને પૂછવા માગું છું કે જ્યારે બીજેપીએ એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિનાં ઉમેદવાર બનાવ્યાં તો તેમને ટેકો આપવામાં તમારા પેટમાં શું દુઃખતું હતું? રાષ્ટ્રપતિનાં ઉમેદવાર આદિવાસીબહેન સામે ઉમેદવાર ઊભો રાખ્યો, તેમને હરાવવા માટે આકાશ-પાતાળ એક કર્યું.’ 
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મારા માટે આ જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર છે. જેટલી વાર માથું ટેકવવાનું મળે, માથું નમાવવાનું મળે, મને પુણ્ય જ મળે અને એટલા માટે હું તમારા આશીર્વાદ લઈને પુણ્ય કમાવવા આવ્યો છું. બાકી વિજય તમારા વોટથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે. તમે મને સત્તા પર નથી બેસાડ્યો, તમે મને સેવાનું કામ સોંપ્યું છે અને એક સેવક તરીકે, સેવાદાર તરીકે હું કામ કરું છું.’

દાહોદમાં મોદીએ ચૂંટણીસભા સંબોધી હતી

સભામાં મહિલા સુરક્ષાકર્મી અચાનક બેભાન થઈને ઢળી પડતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ અટકાવ્યું 

અમદાવાદ–મહેસાણામાં યોજાયેલી ચૂંટણીસભામાં મહિલા સુરક્ષાકર્મી અચાનક બેભાન થઈને ઢળી પડતાં નરેન્દ્ર મોદીએ ભાષણ અટકાવ્યું હતું અને કહ્યું હતું કે ‘તેમને પાણી આપો, તેમને બેસાડો રૂમમાં.’

નરેન્દ્ર મોદીની સભામાં તેમના સંબોધન દરમ્યાન બારેક મિનિટ બાદ આ ઘટના બની હતી. મહિલા સુરક્ષા કર્મચારી બેભાન થઈ ગયાં હતાં. જોકે તેમની સાથે સુરક્ષા માટે ઊભી રહેલી અન્ય મહિલા કર્મચારીઓએ તેમને સંભાળી લીધાં હતાં અને સારવાર માટે લઈ ગયાં હતાં.

મોદીએ ઉંઝાવાળાઓને કેમ ઠપકો આપ્યો હતો અને પછી આજે માથું નમાવ્યું? 

અમદાવાદ–ઉત્તર ગુજરાતના વડામથકસમા મહેસાણામાં ચૂંટણીસભા સંબોધવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત સૌ કોઈને કહ્યું હતું કે ‘મને યાદ છે કે ઉંઝા ઉમિયામાતાના ધામમાં એકવાર હું ગયો ત્યારે મેં ખૂબ ઠપકો આપ્યો ઉંઝાવાળાઓને. રાજકારણમાં કોઈ આવું સાચું બોલવાની હિંમત ન કરે, પણ મારી ટેવ જાય નહીં, તમે મને શિખવાડ્યું. ઉંઝામાં જઈને મેં કહ્યું અહીં માના ગર્ભમાં દીકરીઓને મારી નાખવાનું જે ચાલે છે એ બંધ થવું જોઈએ. અને મા ઉમિયાની સાક્ષીએ મેં વાત કરી અને મારે આજે ઉંઝાને માથું નમાવવું છે કે ઉંઝાના લોકોએ મારી વાત સાંભળી અને આખા ગુજરાતે વાત માની અને આજે દીકરાઓ જન્મે છે એના કરતાં વધારે દીકરીઓ જન્મવવા માંડી.’ 

national news narendra modi dahod gujarat election 2022 gujarat news gujarat rahul gandhi ahmedabad bharat jodo yatra