દિવ્યાંગો અને પથારીવશ નાગરિકોને ઘેરબેઠાં વૅક્સિન આપવા સરકારની છૂટ

24 September, 2021 12:49 PM IST  |  New Delhi | Agency

શારીરિક રીતે અસમર્થ લોકો માટે હોમ વૅક્સિનેશનની વ્યવસ્થા કરવા સંબંધિત ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જોકે આ સંબંધમાં એસઓપીનું પાલન કરવાનું રહેશે. આ સંબંધમાં સ્થાનિક ટીમો રસીકરણના કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે દિવ્યાંગો, શારીરિક રીતે અક્ષમ, પથારીવશ તેમ જ રસીકરણના કેન્દ્ર સુધી પહોંચવામાં અસમર્થ લોકોને ઘરમાં જ રસી લેવાની છૂટ આપી છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય વિભાગ) ડૉ. વી. કે. પૉલે ગઈ કાલે ‘ડોર-ટુ-ડોર વૅક્સિનેશન’નો પાઇલટ પ્રૉજેક્ટ જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘શારીરિક રીતે અસમર્થ લોકો માટે હોમ વૅક્સિનેશનની વ્યવસ્થા કરવા સંબંધિત ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જોકે આ સંબંધમાં એસઓપીનું પાલન કરવાનું રહેશે. આ સંબંધમાં સ્થાનિક ટીમો રસીકરણના કાર્યક્રમમાં ભાગ લેશે.
કેન્દ્રએ બાવીસમી સપ્ટેમ્બરે આ સંબંધમાં તમામ રાજ્યોને સર્ક્યુલર મોકલ્યો હતો. ખાસ કરીને તહેવારોની આ મોસમમાં લોકોની ભીડ વધવાની સંભાવના હોવાથી દિવ્યાંગો, બીમાર અને શારીરિક રીતે અક્ષમ લોકોએ પરેશાનીનો ભોગ ન બનવું પડે એ હેતુથી જ તેમને ઘરે રસી લેવાની છૂટ સરકારે આપી છે.
ડૉ. પૉલે એવું પણ કહ્યું હતું કે દેશની ૬૬ ટકા વસ્તીને રસી અપાઈ ચૂકી છે.

કોવિડ પછીની સારસંભાળ વિશે માર્ગદર્શિકા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે કોવિડ બાદની સારસંભાળ માટેની રાષ્ટ્રીય વ્યાપક માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ માર્ગદર્શિકામાં કોવિડ થયા બાદ લાંબા સમય સુધી આરોગ્યની કાળજી રાખવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

કોવિડ-મૃતકો માટેના ૫૦ હજારના વળતરથી અમે ખુશ છીએ : સુપ્રીમ કોર્ટ
કોવિડથી મૃત્યુ પામનારાના પરિવારજનોને ૫૦ હજારનું વળતર ચૂકવવાની નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીની માર્ગદર્શિકા સામે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ખુશી વ્યક્ત કરી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કોવિડ પૉઝિટિવ હોવાની જાણ થયાના ૩૦ દિવસની અંદર આત્મહત્યા કરી હોય એવા લોકો પણ આ વળતરને પાત્ર રહેશે.

31923
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ આટલા કેસ નોંધાયા. છેલ્લા ૧૮૭ દિવસોમાં આ સૌથી નીચો દૈનિક આંક છે. જોકે, ૨૪ કલાકમાં કોવિડથી ૨૮૨ મૃત્યુ પણ નોંધાયા હતા.

national news new delhi coronavirus covid19 covid vaccine