24 October, 2026 07:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સારવાર દરમ્યાન હોસ્પિટલો દરદીઓ પાસેથી દવાઓ અને અન્ય વસ્તુઓ માટે વધુ પડતો ચાર્જ વસૂલ કરે છે એ વાત કેન્દ્ર સરકારે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું છે કે ‘હૉસ્પિટલો દરદીઓ પાસેથી મૅક્સિમમ રીટેલ પ્રાઈસ (MRP) કરતાં વધુ પડતો ચાર્જ વસૂલીને ગેરવહીવટ કરે છે. અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તમામ સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કર્યા પછી યોગ્ય હસ્તક્ષેપ કરવામાં આવશે.’
હૉસ્પિટલો કૅન્સર જેવી મહત્ત્વપૂર્ણ દવાઓ પર ૭૦૦ ટકા સુધી અને સર્જિકલ અને તબીબી પુરવઠા પર ૧૦૦૦ ટકા સુધી માર્જિન વસૂલ કરી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે આ મનમાની અને શોષણને રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવશે.
રસાયણ અને ખાતર મંત્રાલયે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કર્યું છે. એમાં મંત્રાલયે જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં દરદીઓ ભાવની બાબતે રકઝક કરી શકતા નથી એથી વિવિધ અનિયમિતતાઓ થાય છે. ઍફિડેવિટમાં એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ‘જ્યારે ભારતમાં કંપનીઓ સસ્તી દવાઓનું ઉત્પાદન કરે છે ત્યારે દેશમાં દરદીઓને સમાન દવાઓ માટે ઉત્પાદનખર્ચ કરતાં ઘણી વધારે કિંમત ચૂકવવી પડે છે. આ ઉપરાંત હોસ્પિટલો પણ દરદીઓ પાસેથી વધુ પડતા પૈસા વસૂલે છે. આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવશે.`