11 September, 2023 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે G20 સમિટ ૨૦૨૩ના અંતિમ દિવસે વન ફ્યુચર સત્ર દરમ્યાન G20ના નેતાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સહિતની વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે ગઈ કાલે વધુ એક વખત આગ્રહ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દુનિયાની નવી વાસ્તવિકતાઓ નવા વૈશ્વિક માળખામાં રિફ્લેક્ટ થવી જોઈએ, કેમ કે એ કુદરતનો સિદ્ધાંત છે કે જે લોકો સમયની સાથે બદલતા નથી તેઓ તેમની પ્રસ્તુતતા ગુમાવે છે.
G20 સમિટમાં ‘વન ફ્યુચર’ સેશનમાં મોદીએ કહ્યું હતું કે ‘દુનિયાને વધુ સારા ભવિષ્યની દિશામાં લઈ જવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં આજની વાસ્તવિકતાઓ રિફ્લેક્ટ થાય એ જરૂરી છે.’
તેમણે પરિવર્તનની જરૂરિયાત માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું ઉદાહરણ આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘૫૧ સ્થાપક સભ્યોની સાથે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દુનિયા ખૂબ બદલાઈ ચૂકી છે. હવે એના સભ્યોની સંખ્યા વધીને લગભગ ૨૦૦ થઈ ગઈ છે. એમ છતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પર્મનન્ટ સભ્યોની સંખ્યા એટલી જ રહી છે. દુનિયા એ સમયથી અત્યાર સુધીમાં દરેક મામલે ખૂબ બદલાઈ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન્સ, હેલ્થ હોય કે એજ્યુકેશન દરેક સેક્ટરમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. આ નવી વાસ્તવિકતા આપણા નવા વૈશ્વિક માળખામાં રિફ્લેક્ટ થવી જોઈએ.’
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યો, અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા છે.
સુધારાઓ માટે આગ્રહ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આફ્રિકન યુનિયનને G20નું મેમ્બર બનાવીને શનિવારે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે G20 સમિટ ૨૦૨૩ના સમાપન સત્ર પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનસિયો લુલા દા સિલ્વાને G20 પ્રેસિડન્સી સોંપી હતી.
હું જવાબદાર ‘માનવ-કેન્દ્રિત એઆઇ કન્ટ્રોલ’ માટેનું માળખું સ્થાપવાનું સજેશન આપું છુંઃ મોદી
દુનિયા નવી જનરેશનની ટેક્નૉલૉજીમાં અકલ્પનીય સ્તર અને સ્પીડની સાક્ષી બની રહી હોવાનું જણાવીને મોદીએ એના માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘જી20 દેશોએ ૨૦૧૯માં આ ગ્રુપ દ્વારા મંજૂર કરવામાં આવેલા ‘એઆઇ માટેના સિદ્ધાંતો’થી પર જવાની જરૂર છે. હું જવાબદાર ‘માનવ-કેન્દ્રિત એઆઇ કન્ટ્રોલ’ માટેનું માળખું સ્થાપવાનું સજેશન આપું છું. ભારત પણ એનાં સજેશન્સ આપશે. સામાજિક આર્થિક વિકાસ, ગ્લોબલ વર્કફોર્સ તેમ જ રિસર્ચ અને ડેવલપમેન્ટ જેવાં સેક્ટર્સમાં એઆઇના લાભો તમામ દેશોને મળે એ માટે આપણા પ્રયાસો રહેશે.’