દિલ્હીમાં 34 દિવસે પહેલી વાર 10,000થી ઓછા કોવિડ કેસ

15 May, 2021 01:17 PM IST  |  New Delhi | Agency

ગઈ કાલે સવારે આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનના ૮૫૦૦ કેસ નોંધાયા હતા. તે ઉપરાંત પૉઝિટિવિટી રેટ ઘટીને ૧૨ ટકા પર પહોંચ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે સવારે આઠ વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનના ૮૫૦૦ કેસ નોંધાયા હતા. તે ઉપરાંત પૉઝિટિવિટી રેટ ઘટીને ૧૨ ટકા પર પહોંચ્યો હતો. ૧૦ એપ્રિલથી અત્યાર સુધીમાં પહેલી વખત ચોવીસ કલાકના નવા કેસની સંખ્યા ૧૦,૦૦૦થી ઓછી નોંધાઈ છે. ૧૦ એપ્રિલે ચોવીસ કલાકના નવા દરદીઓ ૭૮૯૭ નોંધાયા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલોમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓ માટે ૩૦૦૦ બેડ ઉપલબ્ધ છે. જોકે મોટા ભાગની હૉસ્પિટલોમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)ના બેડ ખાલી નથી. બે દિવસમાં વધુ આઇસીયુ બેડ ઉપલબ્ધ થશે.’

દેશમાં બે કરોડ લોકો સંક્રમિત બાદ સાજા થયા: જોકે એક દિવસમાં ૩.૪૩ લાખ નવા કેસ અને ૪૦૦૦ મૃત્યુ
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થયેલા કુલ ૨.૪૦ કરોડ લોકોમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ગઈ કાલે બે કરોડ ઉપર પહોંચી ગઈ હતી. સતત ત્રીજા દિવસે દૈનિક રિકવરીના કેસ દૈનિક કોવિડ કેસ કરતાં વધુ નોંધાઈ રહ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાઇરસના ૩,૪૩,૧૪૪ લોકોનું ટેસ્ટિંગ પૉઝિટિવ આવતાં દેશમાં કોરોનાવાઇરસ સંક્રમિતોનો આંકડો ૨,૪૦,૪૬,૮૦૯ પર પહોંચ્યો હતો, જ્યારે એક દિવસમાં ૪૦૦૦ મૃત્યુ થયા હતાં.

national news new delhi coronavirus covid19 covid vaccine