17 March, 2026 07:00 AM IST | Mundra | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુન્દ્રા પોર્ટ પર પહોંચેલું જહાજ શિવાલિક.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) વાહક શિવાલિક જહાજ કતરથી ગૅસ લઈને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ગુજરાતના મુન્દ્રા બંદર પર પહોંચ્યું હતું. આ જહાજ ૧૪ માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્યું હતું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત પહોંચનારું આ પહેલું LPG જહાજ છે. શિવાલિક જહાજમાં લગભગ ૪૬ હજાર મેટ્રિક ટન LPG ભરેલો છે, જે લગભગ ૩૨.૪ લાખ ઘરેલુ ગૅસ-સિલિન્ડરની સમકક્ષ હોવાનું કહેવાય છે.
શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે વધુ બે જહાજો ભારત પહોંચી રહ્યાં છે. પહેલું જહાજ નંદા દેવી લગભગ ૪૬,૦૦૦ ટન LPG લાવી રહ્યું છે, જ્યારે બીજું જહાજ જગ લાડકી લગભગ ૮૧,૦૦૦ ટન ક્રૂડ ઑઇલ લાવી રહ્યું છે.