ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે, જાણો અહીં

11 May, 2021 01:59 PM IST  |  New Delhi | Agency

એન. રંગાસ્વામી પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યાના બીજા જ દિવસે કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની કેન્દ્રશાસિત પ્રદેશના ગવર્નર ડૉ. તામિલસાઈએ આ જાહેરાત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

રંગાસ્વામી મુખ્ય પ્રધાન બનતાં જ સંક્રમિત થયા
એન. રંગાસ્વામી પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યાના બીજા જ દિવસે કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની કેન્દ્રશાસિત પ્રદેશના ગવર્નર ડૉ. તામિલસાઈએ આ જાહેરાત કરી હતી. રંગાસ્વામીએ રવિવારે મુખ્ય પ્રધાન પદ માટેના શપથ લીધા હતા. ઑલ ઇન્ડિયા એનઆર કૉન્ગ્રેસના તેઓ નેતા છે અને એનડીએ સાથેની યુતિમાં ચૂંટણી જીત્યા છે.

કૉન્ગ્રેસે પ્રમુખપદની ચૂંટણી મુલતવી રાખી
કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિએ દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં જ્યાં સુધી સુધારો ન થાય ત્યાં સુધી પક્ષના પ્રમુખપદ માટેની મહત્ત્વની ચૂંટણી મોકૂફ રાખવાનો ગઈ કાલે સર્વાનુમતે નિર્ણય લીધો હતો. ગયા વર્ષે પક્ષમાંનાં કેટલાંક જૂથોએ સંસ્થાકીય માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા દબાણ કર્યા બાદ પક્ષના મોવડીઓએ જૂન સુધીમાં ચૂંટણી રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ પક્ષના મુખ્ય નેતાઓએ હમણાં કોઈ ચૂંટણી ન રાખવા સંમતિ સાધી છે. દરમ્યાન પક્ષ-પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘તાજેતરમાં કૉન્ગ્રેસે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં કેમ અત્યંત ખરાબ દેખાવ કર્યો એ સંદર્ભમાં દરેક નાની-મોટી બાબતની સમીક્ષા માટે પક્ષમાં જ નાનું જૂથ રચવામાં આવશે.’

નેપાલના પીએમ ઓલીએ વિશ્વાસનો મત ગુમાવ્યો
સીપીએન (માઓવાદી કેન્દ્ર)ની આગેવાની હેઠળના પુષ્પકમલ દહલ પ્રચંડ દ્વારા સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેવાતાં નેપાલના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ ગઈ કાલે સંસદના પ્રતિનિધિ ગૃહમાં વિશ્વાસનો મત ગુમાવ્યો હતો. એ સાથે વિપક્ષે દેશમાં નવી સરકાર રચવા માટેની પ્રક્રિયા શરૂ કરવાની રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીના આદેશ પર યોજાયેલા વિશેષ સત્રમાં સંસદના નીચલા ગૃહમાં વડા પ્રધાન ઓલીએ ૯૩ મત મેળવ્યા હતા. કુલ ૨૭૫ સભ્યોના બનેલા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ઓલીને વિશ્વાસનો મત જીતવા માટે ૧૩૬ મતની આવશ્યકતા હતી.

ચાર દિવસ પછી પહેલી વાર ચાર લાખથી ઓછા કેસ
ભારતમાં સતત ચાર દિવસ સુધી ચાર લાખ કરતાં વધુ કેસ નોંધાયા બાદ ગઈ કાલે પહેલી વાર કોવિડ-19 કેસમાં નજીવા ઘટાડા સાથે કુલ ૩,૬૬,૧૬૧ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા ૨,૨૬,૬૨,૫૭૫ થઈ હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

મમતાએ ૯ ખાતાં પોતાની પાસે જ રાખ્યાં
પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે કોવિડ-19ની બીજી લહેરની ગંભીરતા વચ્ચે મમતા બૅનરજીના પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના કુલ ૪૩ પ્રધાનોએ નવી વિધાનસભામાં પ્રવેશ કરવા સંબંધિત શપથ લીધા હતા. આ માટે સાદો સમારોહ યોજાયો હતો. અેમાં મમતાએ ખાતાંની ફાળવણી કરી હતી. મમતાએ ગૃહ તેમ જ પર્વતીય બાબતોને લગતું ખાતું તેમ જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માહિતી તથા સાંસ્કૃતિક બાબતો, જમીન તથા ભૂમિલક્ષી સુધારા અને આશ્રિતોના પુનર્વસવાટને લગતાં ખાતાં પોતાની પાસે જ રાખ્યાં છે. તેઓ ઉત્તર બંગાળને લગતી બાબતો પણ સંભાળશે. એ સાથે મમતાએ કુલ ૯ જેટલા વિભાગ પોતાની પાસે જાળવી રાખ્યા છે. અમિત મિત્રાને ફાઇનૅન્સ વિભાગ સોંપાયો છે.

national news new delhi coronavirus covid19 covid vaccine nepal