હિન્દુ સંગઠન કહે છે ઠાકુરજીનું મંદિર હતું, સ્થાનિકો એને મકબરો કહે છે

12 August, 2025 08:31 AM IST  |  Fatehpur | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના સંભલ પછી હવે ફતેહપુરમાં મંદિર-મસ્જિદ વિવાદ :વિવિધ હિન્દુ સંગઠનોના ૨૦૦૦થી વધુ લોકોએ અહીં ઠાકુરજીનું મંદિર હતું એમ કહીને વિવાદિત ઢાંચા પર ભગવો લહેરાવી દીધોઃ રોડ પર ચક્કાજૅમ કરીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું

ઉત્તર પ્રદેશના સંભલ પછી હવે ફતેહપુરમાં મંદિર-મસ્જિદ વિવાદ

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગઈ કાલે સવારે દસ વાગ્યે અચાનક બજરંગ દળ, હિન્દુ મહાસભા સહિત અનેક હિન્દુ સંગઠનોના ૨૦૦૦થી વધુ લોકો નવાબ અબ્દુલ સમદના મકબરા પર પહોંચ્યા હતા અને અહીં પહેલાં ઠાકુરજીનું મંદિર હોવાનો દાવો કર્યો હતો. પોલીસે પહેલેથી જ મકબરાની ફરતે બૅરિકેડ્સ ગોઠવી દીધાં હતાં, પરંતુ લાઠી-ડંડા લઈને નીકળેલા કાર્યકર્તાઓએ મકબરા પહેલાં અહીં મંદિર હોવાનું કહીને તોડફોડ શરૂ કરી દીધી હતી. હિન્દુ મહાસભાના નેતા મનોજ ત્રિવેદી ભીડની સાથે મકબરાની અંદર જઈને પૂજાપાઠ અને શંખનાદ કરવા લાગ્યા હતા. અહીં પૂજાપાઠ અને ભગવો ઝંડો લહેરાતો જોઈને મુસ્લિમ સમુદાયના લોકો ભડકી ગયા હતા. તનાવ વધી જતાં લગભગ દોઢ હજાર મુસ્લિમો ઇદગાહ પર પહોંચી ગયા હતા અને બન્ને જૂથ વચ્ચે સામસામે પથ્થરબાજી થવા લાગી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને હટાવવાનું શરૂ કરતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ મકબરાથી ૫૦૦ મીટર દૂર આવેલા ચાર રસ્તા પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા હતા. જેને કારણે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

મામલો શું છે?

ચાર દિવસ પહેલાં શુક્રવારે હિન્દુ સંગઠન મઠ મંદિર સંરક્ષણ સંઘર્ષ સ‌મિતિએ સ્થાનિક જિલ્લાધિકારીને ફતેહપૂરના આબુનગર મોહલ્લા પાસે આવેલા શંકરજી સિદ્ધપીઠ ઠાકુરજીના મંદિરના શિખર-નિર્માણ, બ્યુટિફિકેશન અને નવીનીકરણ કરવાની અનુમતિ મેળવવા માટે અરજી કરી હતી. સમિતિનું કહેવું હતું કે આ મંદિરની વર્તમાન સ્થિ‌તિ જર્જરિત થઈ ગઈ છે એટલે નવીનીકરણના કાર્યની શરૂઆત પહેલાં તેઓ ૧૧ ઑગસ્ટે વિશેષ પૂજા કરવાના છે. આ જગ્યાએ તેઓ જન્માષ્ટમી મનાવવા માગે છે. જોકે જે જગ્યાને હિન્દુ સંગઠન દ્વારા મંદિર ગણાવવામાં આવી રહ્યું છે એને સ્થાનિકો નવાબ અબ્દુલ સમદનો મકબરો કહે છે. એ મકબરો ૨૦૦ વર્ષ જૂનો હોવાનો દાવો છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર મુગલ કાળના વરિષ્ઠ સૂબેદાર નવાબ અબ્દુલ સમદ ખાનને અહીં દફનાવવામાં આવ્યા હતા.

uttar pradesh national news news religion religious places hinduism islam