નોબલ પ્રાઈઝ પેનલના મેમ્બરે રશિયા-યુક્રેન સંઘર્ષ પર પીએમ મોદીના ‘આ યુદ્ધનો યુગ નથી’ નિવેદનની પ્રશંસા કરી

17 March, 2023 01:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નૉર્વેથી નોબેલ પ્રાઇઝ કમિટીની ટીમ ભારત આવી પહોંચી : કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે ટોજેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી

નરેન્દ્ર મોદી

ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે દુનિયા આશાભરી નજરે જોઈ રહી છે. હવે તેમની પ્રશંસા કરનારાઓમાં નોબેલ પ્રાઇઝ કમિટીના મેમ્બરનું નામ પણ સામેલ થઈ ગયું છે. વાસ્તવમાં નૉર્વેથી નોબેલ પ્રાઇઝ કમિટીની ટીમ ભારત આવી પહોંચી છે. આ કમિટી પીસ પ્રાઇઝના વિનરની પસંદગી કરે છે. આ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે ટોજેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી જેવા પાવરફુલ લીડરમાં શાંતિ સ્થાપવાની જબરદસ્ત ક્ષમતા છે.

ટોજેએ એક ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નોબેલ પીસ પ્રાઇઝ માટે અમને મોટી સંખ્યામાં ઇન્ડિયન નૉમિનેશન્સ મળી રહ્યાં છે. હું પીએમ મોદીના પ્રયાસોને ફૉલો કરું છું. પીએમ મોદી પાવરફુલ દેશમાંથી આવે છે અને તેમને ગંભીરતાથી લેવામાં આવે છે. તેઓ પોતાની વિશ્વસનીયતા અને ક્ષમતાનો ઉપયોગ રશિયા અને યુક્રેનના ભયાનક યુદ્ધને રોકવા માટે કરશે. મને આનંદ છે કે મોદી ફક્ત ભારતને આગળ વધારવાનું જ કામ નથી કરતા, પરંતુ દુનિયામાં શાંતિ માટે જરૂરી હોય એ તમામ મુદ્દાઓ માટે પણ કામ કરે છે. આગામી સમયમાં અનેક ભારતીયોને નોબેલ પ્રાઇઝ માટે નૉમિનેટ કરવામાં આવશે. દુનિયામાં શાંતિ જાળવી રાખવા માટે પીએમ મોદીનો રોલ ખૂબ જરૂરી છે. રશિયા અને યુક્રેન બન્ને ભારતને ખૂબ માને છે. આ યુદ્ધને રોકવું હોય તો ભારતનો રોલ ખૂબ જરૂરી છે.’

(Disclaimer: નોબલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે તોજે લેખના અગાઉના સંસ્કરણમાં ખોટી રીતે ટાંકવામાં આવ્યા હતા. લેખના કન્ટેન્ટને સ્થાપિત SOP અને સુધારણા નીતિ અનુસાર બદલવામાં આવી છે અને અપડેટ કરવામાં આવી છે. અમારા વાચકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.)

national news narendra modi new delhi