Durg Bus Accident: 50 ફીટ ઊંડી ખીણમાં પડી બસ, 12 લોકોનાં મોત, PMએ વ્યક્ત કર્યો શોક

10 April, 2024 10:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Durg Bus Accident: આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.

રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢનાં દુર્ગમાંથી એક મોટા અકસ્માત (Durg Bus Accident)નાં સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક મોટો રોડ અકસ્માત થયો છે. દુર્ગ જિલ્લાના કુમ્હારીમાં એક બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં પસાર થઈ રહેલા અનેક લોકોનાં મોત નિપજ્યાં હોવાના પણ સમાચાર છે. 

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

કઈ રીતે બસ પડી ખાઈમાં?

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારની મોડી રાત્રે ડ્યુટી પરથી પરત ફરતી વખતે કર્મચારીઓથી ભરેલી બસ ખાઈમાં પડી (Durg Bus Accident) હતી. આ બસમાં કેડિયા ડિસ્ટિલરી ફેક્ટરીના 40 જેટલા કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ પણ વ્યક્ત કર્યું દુખ 

આ ભયંકર દુર્ઘટના (Durg Bus Accident)નાં સમાચાર મળતાંની સાથે જ પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્મા ઘાયલોને મળવા મોડી રાત્રે રાયપુર એઈમ્સ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતની ગંભીરતાથી મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવશે. ઘાયલોએ ડેપ્યુટી સીએમને જણાવ્યું કે જે બસ ખાઈમાં પડી હતી. 

શું કહ્યું છે પીએમ મોદીએ?

આ ભયંકર અકસ્માત (Durg Bus Accident) પર મૃતકોનાં પરિવારને સાંત્વના આપતાં પીએમ મોદીએ એક્સ પર લખીને જણાવ્યું હતું કે, "છત્તીસગઢના દુર્ગમાં થયેલ બસ દુર્ઘટના અત્યંત દુઃખદ છે, જે લોકોએ તેમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.”

ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે 

પ્રાપ્ત અહેવાલો અનુસાર દુર્ગમાં થયેલા આ ગોજારા અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 12ને રાયપુર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઘાયલોની હાલત ખૂબ જ ખરાબ છે. જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવના પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના (Durg Bus Accident)ની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

national news chhattisgarh road accident narendra modi india