20 October, 2025 09:55 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યાના ૫૬ ઘાટોના કિનારે ૨૬,૧૭,૨૧૫ દીવડાઓ પ્રજ્વલિત થયા અને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો.
અયોધ્યામાં ફરી એક વાર રેકૉર્ડબ્રેક દીપોત્સવ ઊજવાયો
અયોધ્યામાં ગઈ કાલે નવમો દીપોત્સવ ઊજવાયો હતો. દીપોત્સવની શરૂઆત ૨૦૧૭માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી. પહેલા વર્ષે ૧.૭૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ વર્ષે દીવડાઓનો રેકૉર્ડ ૨૬ લાખને પાર કરી ગયો છે. ગઈ કાલે રામ કી પૈડીથી લઈને સરયૂ તટ પરના તમામ ૫૬ ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. યોગી આદિત્યનાથે રામ મંદિરમાં દીવો પ્રગટાવ્યો એ પછી દીપોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. ગઈ કાલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અયોધ્યાના નામે બે રેકૉર્ડ નોંધાયા હતા. એક, ૨૬,૧૭,૨૧૫ દીવડા એક જ સ્થળે પ્રગટાવવાનો અને બીજો રેકૉર્ડ સરયૂ તટ પર ૨૧૨૮ અર્ચકો દ્વારા સરયૂ નદીની મહાઆરતી. દીવડાઓનું કાઉન્ટિંગ ડ્રોનથી કરવામાં આવ્યું હતું. બન્ને ઘટનાઓના રેકૉર્ડનાં પ્રમાણપત્ર યોગી આદિત્યનાથે સ્વીકાર્યાં હતાં.
ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના પરિવેશમાં પધારેલા કલાકારોને અયોધ્યામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આવકાર્યા હતા.
બીજું શું-શું થયું અયોધ્યામાં?
સાંજે દીપોત્સવ શરૂ થાય એ પહેલાં અયોધ્યાની ગલીઓમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ મુજબ વિવિધ ગ્રુપો દ્વારા રામચરિત્રના અલગ-અલગ પ્રસંગોની લીલા રજૂ કરવામાં આવી હતી.
સાંજે સાંકેતિક રીતે ભગવાન રામનું અયોધ્યામાં આગમન થયું ત્યારે તેમના રથને ખુદ મુખ્ય પ્રધાને ખેંચીને પ્રભુને આવકાર્યા હતા. રામ, લક્ષ્મણ અને સીતાના વેશમાં કલાકારો જ્યારે સરયૂ ઘાટ પર પહોંચ્યા ત્યારે યોગી આદિત્યનાથે તિલક અને માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
દીવડાના રેકૉર્ડની સાથે રામ કી પૈડી પર લેઝર લાઇટ શો પણ થયો હતો. ૧૧૦૦ ડ્રોનથી આસમાનમાં સુંદર રામલીલાનો મ્યુઝિકલ શો થવાની સાથે ઇકો-ફ્રેન્ડ્લી ગ્રીન ફટાકડાથી આકાશ સુશોભિત થઈ ઊઠ્યું હતું.
સરયૂ નદીના ઘાટો પર દીવડાની રોશની હતી ત્યારે નદીમાં તરતા ટૅબ્લોમાં પણ સાંસ્કૃતિક નિરૂપણ થઈ રહ્યું હતું.
દિલ્હીના કર્તવ્ય પથ પર આઝાદી પછી પહેલી વાર ૧.૫૧ લાખ દીવડાઓ સાથે ઊજવાયો દીપોત્સવ
શનિવારે રાતે દિલ્હી સરકારે કર્તવ્ય પથ પર રોનકવાળી દિવાળી મનાવી હતી. આ નિમિત્તે ભવ્ય ડ્રોન શો, રામકથા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત થઈ હતી. આ એ વાતનું પ્રતીક છે કે ભારતની રાજધાની પણ હવે સનાતન પરંપરાને સમજીને દેશ સાથે આગળ વધી રહી છે. આ વર્ષે આઝાદી પછી પહેલી વાર દિલ્હીમાં ભવ્ય દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. કર્તવ્ય પથ પર બન્ને તરફ ૧.૫૧ લાખ દીવડાઓનો ઉજાશ પથરાયો હતો.