દિલ્હી ઍરપોર્ટ પર ભીડની સમસ્યા ઉકેલવા વધુ ૧૪૦૦ સીઆઇએસએફ જવાનોને તહેનાત કરાશે

16 December, 2022 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટર્મિનલ -૧નું વિસ્તરણનું કામ આવતા વર્ષે ડિસેમ્બર અથવા જાન્યુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું

દિલ્હી ઍરપોર્ટ પર ભારે ભીડનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહ્યો છે

નવી દિલ્હી : દિલ્હી ઍરપોર્ટના ટર્મિનલની સુરક્ષા તેમ જ મુસાફરોની વધેલી સંખ્યાની સમસ્યાને પહોંચી વળવા માટે વધારાના ૧૪૦૦ સીઆઇએસએફ જવાનોને તહેનાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યૉરિટીના પ્રતિનિધિઓ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોરમાં તાજેતરમાં જોવા મળેલી ભીડને ઓછી કરવા માટે કયાં પગલાં લેવાં જોઈએ એ માટે આ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. ૧૪૦૦ જવાનોની ફોજ તરત ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર તહેનાત કરવામાં આવશે. ટર્મિનલ -૧નું વિસ્તરણનું કામ આવતા વર્ષે ડિસેમ્બર અથવા જાન્યુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે નવેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. છેલ્લાં બે સપ્તાહથી દિલ્હી અને મુંબઈ ઍરપોર્ટ પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો લાંબી લાઇનોના ફોટોઝ શૅર કરે છે, જેની નોંધ સત્તાવાળાઓએ લેવી પડી છે.

national news delhi airport new delhi home ministry