30 May, 2025 09:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં CIIની ઍન્યુઅલ બિઝનેસ સમિટમાં બોલતા રાજનાથ સિંહ.
ઑપરેશન સિંદૂર દ્વારા ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ભારતની ભૂમિ પર આતંક ફેલાવવાનું પરિણામ શું આવે છે. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ને પાછું લેવાની માગણી ફરી એક વાર તીવ્ર બની છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ફરી એક વાર ગર્જના કરી છે કે આજે નહીં તો કાલે PoK આપણું હશે, ત્યાંના લોકો આપણા પરિવારનો ભાગ છે.
દિલ્હીમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની ઍન્યુઅલ બિઝનેસ સમિટમાં સામેલ થયા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘અમે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ. અમને ખાતરી છે કે અમારા જે ભાઈઓ આજે ભૌગોલિક અને રાજકીય રીતે અમારાથી અલગ છે તેઓ પણ કોઈક દિવસ પોતાના સ્વાભિમાન, આત્માના અવાજ અને સ્વેચ્છાએ ભારતના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. ત્યાંના લોકો ભારત સાથે ઊંડું જોડાણ અનુભવે છે. એવા થોડાક લોકો જ છે જેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.’
કાલે ઑપરેશન શીલ્ડ : પાકિસ્તાન સાથેની સરહદનાં રાજ્યોમાં ફરી સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાંઓ પર ઍર સ્ટ્રાઇક કરીને એમને નષ્ટ કરી દીધાં હતાં. આ દરમ્યાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ૭ મેએ દેશના અનેક જિલ્લામાં મૉક ડ્રિલ અને બ્લૅકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે ફરી એક વાર આવતી કાલે પાકિસ્તાન સરહદથી જોડાયેલાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ઑપરેશન શીલ્ડના નામે મૉક ડ્રિલ યોજાશે. બીજી સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમ્યાન સાયરન અને બ્લૅકઆઉટ કરવામાં આવશે.