ગંગા-યમુના પણ કોરોનાગ્રસ્ત

11 May, 2021 01:13 PM IST  |  Patna/Lucknow | Agency

બિહાર અને ઉત્તર પ્રદેશમાં પવિત્ર નદીઓમાં કોવિડ-દરદીઓના મૃતદેહો મળતાં અરેરાટી ફેલાઈ

બિહારમાં બુક્સર ખાતે ચૌસામાંની ગંગા નદીના કાંઠે ડઝનબંધ મૃતદેહ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. કોરોના વાઇરસની ચેપી લહેરના માહોલમાં આ મૃતદેહો કોવિડના દરદીઓના હોવાનું મનાય છે. પી.ટી.આઇ.

ભારતની બે પવિત્ર નદીઓ કોરોનાગ્રસ્ત થયા બાદ મૃત્યુ પામેલા કેટલાક લોકોના મૃતદેહોથી અભડાઈ ગઈ હોવાના અહેવાલો ગઈ કાલે મળ્યા હતા. કહેવાય છે કે બન્ને નદીઓમાંથી કુલ મળીને ૧૫૦ જેટલા મૃતદેહો મળ્યા હતા.

બિહારના બુક્સર જિલ્લામાં કોવિડ-19ની મહામારીની બીજી લહેર ખૂબ ફેલાઈ છે અને એવામાં અહીંની ગંગા નદીમાં કોહવાઈ ગયેલી હાલતમાં ૪૫ મૃતદેહ મળી આવતાં અરેરાટી મચી ગઈ હતી. આમાંના તમામ અથવા મોટા ભાગના લોકો સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. વહીવટી તંત્રને મહાદેવ ઘાટ ખાતેથી આ મૃતદેહો મળ્યા હતા. ચૌસા ખાતેનો આ ઘાટ ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદની નજીક છે અને કહેવાય છે કે આ મૃતદેહો ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં આવેલી ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

દરમ્યાન ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં સ્થાનિક લોકોએ રવિવારે યમુના નદીમાં સંખ્યાબંધ મૃતદેહો તરતા જોયા હતા, જેને પગલે આ મૃતદેહો કોરોના વાઇરસના કારણે મોતને ભેટનારા ગ્રામવાસીઓના હોવાની આશંકાએ રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લાના એક ગામમાં સ્થાનિક લોકો યમુનાના કાંઠે ખેતરોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. યુપીના આ ભાગમાં મોત પામેલા લોકોના જિલ્લા અધિકારીઓ કે રાજ્ય સરકાર પાસે કોઈ આંકડા મોજૂદ નથી. હમીરપુરના અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એએસપી) અનુપ કુમાર સિંહે જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકો યમુનાને પવિત્ર માનતા હોવાથી મરનાર ગ્રામજનોના મૃતદેહોને નદીમાં વહેતા મૂકવાની જૂની પ્રથા છે. યમુનામાં એકાદ-બે મૃતદેહ તરતા જોવા મળતા હોય છે, પરંતુ કોવિડના સમયમાં નદીમાં મૃતદેહોનું ઘોડાપૂર ઊમટ્યું છે, જે દર્શાવે છે કે લોકો મોટી સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે.’

નદીઓમાંથી મૃતદેહો મળવાને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે એકમેક પર દોષારોપણ કરવામાં આવી રહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.

national news bihar uttar pradesh patna lucknow coronavirus covid19