Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 97,570 કેસ, 1,201 દર્દીઓનાં મોત

12 September, 2020 10:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 97,570 કેસ, 1,201 દર્દીઓનાં મોત

તસવીર: સતેજ શિંદે

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં જે વધારો નોંધાયો છે તે આજ સુધી સૌથી વધારે છે. આજે નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ્સ તોડી દીધા છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 97,570 નવા કેસ નોંધાયા છે અને 1,201 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 46,59,984 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 36,24,196 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 81,533 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 77,472 લોકો મૃત્યુ પામ્યા છે. દેશનો રિકવરી રેટ 77.8 ટકા થયો છે. જ્યારે મોતનું પ્રમાણ 1.7 ટકા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 24,886 નવા કેસ નોંધાયા છે અને 442 લોકોના મોત થયા છે. જ્યારે 14,308 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10,15,681 થઈ ગયો છે. તેમાંથી 2,71,934 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 28,724 લોકો મૃત્યુ પામ્યા છે અને 7,15,023 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે નોંધાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,344 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,240 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,10,971 થઈ ગયો છે. જેમાંથી 16,318 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,180 લોકોના મોત થયા છે અને 91,343 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં દસ સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 5,51,89,226 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શુક્રવારે 10,91,251 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat