Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 46,232 કેસ, 564 દર્દીઓનાં મોત

21 November, 2020 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 46,232 કેસ, 564 દર્દીઓનાં મોત

તસવીર: આશિષ રાજે

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.32 લાખને પાર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો હતો અને કોરોનાના સતત વધતા કેસમાં થોડાક સમય માટે આંશિક રાહત મળી હતી અને છેલ્લા કેટલાક દિવસથી 50,000 કરતા ઓછા કેસ નોંધાતા હતા. પરંતુ ગત અઠવાડિયે એક દિવસ 50,000 કરતા વધુ કેસ નોંધાયા બાદ ફરી ઘટાડો નોંધાયો છે. જોકે, દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટની ટકાવારીમાં પણ વધારો જોવા મળ્યો છે.

શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 46,232 નવા કેસ નોંધાયા છે અને 564 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 90,50,597 કેસ થઈ ગયા છે. જેમાંથી 4,39,747 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 84,78,124 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 49,715 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,32,726 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે રાહત આપતી વાત એ છે કે ભારતમાં હવે રિકવરી રેટ 93.7 ટકા સુધી પહોંચી ગયો છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં નવા 5,640 કેસ નોંધાયા છે અને 155 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ 6,945 લોકો સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 17,68,695 થઈ ગયો છે. તેમાંથી 79,268 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 46,511 લોકો મૃત્યુ પામ્યા છે અને 16,42,916 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે રોજ 1000થી વધારે કેસો નોંધાતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 1000ની અંદર આવી ગઈ હતી. પણ ફરી એકવાર 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,420 નવા કેસ નોંધાયા હતા અને 7 લોકોના મોત થયા હતા. જ્યારે 1,040 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,94,402 થઈ ગયો છે. જેમાંથી 13,050 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,837 લોકોના મોત થયા છે અને 1,77,515 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં વીસ નવેમ્બર સુધીમાં કોરોનાના 13,06,57,808 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શુક્રવારે 20 નવેમ્બરે 10,66,022 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 india maharashtra gujarat