Coronavirus Updates: એક્ટિવ કેસને મામલે ભારત દુનિયામાં 14માં સ્થાને

13 January, 2021 10:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: એક્ટિવ કેસને મામલે ભારત દુનિયામાં 14માં સ્થાને

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ કેસ મામલે દિવસે દિવસે ભારતની પરિસ્થિતિ સારી થઈ રહી હોય તેવું લાગે છે. હવે એક્ટિવ કેસને મામલે ભારત દુનિયામાં 14માં સ્થાને આવી ગયું છે. જો દર્દીઓની સંખ્યા આ જ રીતે ઘટતી રહેશે તો ટુંક સમયમાં જ ભારત પ્રથમ 15 સંક્રમિત દેશોની યાદીમાંથી પણ બહાર થઈ જશે.

બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 15,968 નવા કેસ નોંધાયા છે અને 202 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 1,04,95,147 કેસ થઈ ગયા છે. જેમાંથી 2,14,507 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 1,01,29,111 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,51,529 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 12 જાન્યુઆરી સુધીમાં કોરોનાના 18,34,89,114 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, મંગળવારે 12 જાન્યુઆરીએ 8,36,227 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 2,936 નવા કેસ નોંધાયા છે અને 50 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 3,282 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 19,74,488 થઈ ગયો છે. તેમાંથી 53,067 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 50,151 લોકો મૃત્યુ પામ્યા છે અને 18,71,270 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 602 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જ્યારે 855 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 2,53,161 થઈ ગયો છે. જેમાંથી 7,439 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,350 લોકોના મોત થયા છે અને 2,41,372 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

coronavirus covid19 national news india maharashtra gujarat