Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 69,878 કેસ, 945 દર્દીઓનાં મોત

22 August, 2020 11:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 69,878 કેસ, 945 દર્દીઓનાં મોત

કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારીઓ (ફાઈલ તસવીર)

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 69,878 નવા કેસ નોંધાયા છે અને 945 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી કુલ 29,75,701 કેસ નોંધાયા છે. આ આંકાડાઓ જોતા લાગે છે આવતીકાલ સુધીમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંક્ય 30 લાખને પાર કરી જશે. જેમાંથી 6,97,330 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 22,22,577 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 55,794 લોકો મૃત્યુ પામ્યા છે.

અમેરિકા અને બ્રાઝિલની સરખામણીમાં હાલ ભારતમાં કોરોના સંક્રમણની ઝડપ વધારે છે. ભારતમાં છેલ્લા 10 લાખ કેસ ફક્ત 16 દિવસમાં નોંધાયા છે. જ્યારે બ્રાઝિલમાં 20 લાખથી 30 લાખ કેસ થવામાં 23 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકામાં દર્દીની સંખ્યા 20 લાખથી 30 લાખ પહોંચવામાં 28 દિવસ લાગ્યા હતા. ભારતમાં પ્રથમ 10 લાખ કેસ થવામાં 138 દિવસ લાગ્યા હતા. પરંતુ તે બાદમાં દેશમાં કોરોનાએ ઝડપ પકડી હતી. 10 લાખથી 20 લાખ કેસ થવામાં ભારતમાં 21 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકમાં આ આંકડો 43 દિવસ અને બ્રાઝિલમાં 27 દિવસ હતો.

જોકે, રાહતના સમાચાર એ છે કે આપણા દેશમાં મોતની ટકાવારી બહુ ઓછી છે. સંક્રમણથી મૃત્યુદર ઘટીને 1.89 ટકા થઈ ગયો છે. ભારતમાં દર્દીઓ સાજા થવાનું પ્રમાણે 74 ટકાથી વધારે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14,161 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 11,749 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 6,57,450 થઈ ગયો છે. તેમાંથી 1,64,879 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 21,698 લોકો મૃત્યુ પામ્યા છે અને 4,70,873 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,204 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 1,321 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 84,466 થઈ ગયો છે. જેમાંથી 14,177 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,869 લોકોના મોત થયા છે અને 67,277 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 21 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 3.44 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 10,23,836 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં 10 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat brazil united states of america