Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 63,371 કેસ, 895 દર્દીઓનાં મોત

16 October, 2020 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 63,371 કેસ, 895 દર્દીઓનાં મોત

તસવીર સૌજન્ય: એએફપી

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 લાખને પાર ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.12 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 70,000 કરતા ઓછા કેસ નોંધાય છે.

શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 63,371 નવા કેસ નોંધાયા છે અને 895 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 73,70,469 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,04,528 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 64,53,780 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 70,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,12,161 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 10,226 નવા કેસ નોંધાયા છે અને 337 લોકોના મોત થયા છે. જ્યારે 13,714 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 15,64,615 થઈ ગયો છે. તેમાંથી 1,92,936 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 41,196 લોકો મૃત્યુ પામ્યા છે અને 15,64,615 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,185 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. જ્યારે 1,329 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,56,283 થઈ ગયો છે. જેમાંથી 14,804 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,606 લોકોના મોત થયા છે અને 1,37,733 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં પંદર ઓક્ટોબર સુધીમાં કોરોનાના 9,22,54,927 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે ગુરુવારે 15 ઓક્ટોબરે 10,28,622 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat