Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 61,537 કેસ, 933 દર્દીઓનાં મોત

08 August, 2020 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 61,537 કેસ, 933 દર્દીઓનાં મોત

તસવીર સૌજન્ય: પીટીઆઈ

દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં હવે સંક્રમિતોનો આંકડો 21 લાખની નજીક પહોંચી ગયો છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 61,537 નવા કેસ નોંધાયા છે અને 933 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 20,88,612 કેસ નોંધાયા છે. જેમાંથી 6,19,088 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 14,27,006 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 42,518 લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 10,000થી વધારે પૉઝિટિવ કેસ નોંધાયા છે. કર્ણાટક અને તામિલનાડુમાં પાંચ-પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 10,483 નવા કેસ નોંધાયા છે અને 300 લોકોના મોત થયા છે. જ્યારે 10,906 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4,90,262 થઈ ગયો છે. તેમાંથી 1,45,889 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 17,092 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,27,281 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,074 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોના મોત થયા હતા. જ્યારે 1,370 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 68,768 થઈ ગયો છે. જેમાંથી 14,587 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,606 લોકોના મોત થયા છે અને 51,720 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં સાત ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,33,87,171 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 5,98,778 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat