Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 53,601 કેસ, 871 દર્દીઓનાં મોત

11 August, 2020 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 53,601 કેસ, 871 દર્દીઓનાં મોત

આરોગ્ય કર્મચારીઓ હવે ઠેર-ઠેર વિસ્તારોમાં જઈને ટેસ્ટ કરી રહ્યાં છે (તસવીર: સમીર માર્કન્ડે)

દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. પરંતુ દેશમાં કોરોનાના કહેરમાં આંશિક રાહત મળી છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 દર્દીઓના મોત થયા છે. નોંધનીય છે કે, છેલ્લા અનેક દિવસથી રોજેરોજના આંકડા 62,000 થી વધુ આવતાં હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 22,68,676 કેસ થઈ ગયાં છે. જેમાંથી 6,39,929 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 15,83,490 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. ભારત સરકારે આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે, દેશમાં હવે 28.21 ટકા એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 69.80 ટકા સાજા થઈ ગયા છે અને મોતનો આંક 1.99 ટકા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 9,181 નવા કેસ નોંધાયા છે અને 293 લોકોના મોત થયા છે. જ્યારે 6,711 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5,24,513 થઈ ગયો છે. તેમાંથી 1,48,042 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 18,050 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,58,421 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,056 નવા કેસ નોંધાયા હતા અને 20 લોકોના મોત થયા હતા. જ્યારે 1,138 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 72,031 થઈ ગયો છે. જેમાંથી 14,055 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,672 લોકોના મોત થયા છે અને 55,304 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

coronavirus covid19 national news india maharashtra gujarat