Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 53,370 કેસ, 650 દર્દીઓનાં મોત

24 October, 2020 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 53,370 કેસ, 650 દર્દીઓનાં મોત

તસવીર: સમીર આબેદી

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.17 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 60,000 કરતા ઓછા કેસ નોંધાય છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 53,370 નવા કેસ નોંધાયા છે અને 650 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 78,14,682 કેસ થઈ ગયા છે. જેમાંથી 6,80,680 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 70,16,046 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,17,956 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 7,347 નવા કેસ નોંધાયા છે અને 184 લોકોના મોત થયા છે. જ્યારે 13,247 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,32,544 થઈ ગયો છે. તેમાંથી 1,44,426 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 43,015 લોકો મૃત્યુ પામ્યા છે અને 14,45,103 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે દર્દીઓના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,112 નવા કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત થયા હતા. જ્યારે 1,264 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,65,233 થઈ ગયો છે. જેમાંથી 13,985 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,676 લોકોના મોત થયા છે અને 1,47,435 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 23 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 10,13,82,564 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શુક્રવારે 23 ઓક્ટોબરે 12,69,479 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat