Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 28,498 કેસ, 553 દર્દીઓનાં મોત

14 July, 2020 10:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 28,498 કેસ, 553 દર્દીઓનાં મોત

ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. હવે સંક્રમિતોનો આંકડો નવ લાખને પાર કરી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી 27,000થી વધુ કેસ નોંધાયા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં સોમવારે સવારે આઠ વાગ્યાથી મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 28,498 નવા કેસ નોંધાયા છે અને 553 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 9,06,752 કેસ નોંધાયા છે. જેમાંથી 3,11,565 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,71,460 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 23,727 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,497 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોના મોત થયા છે. જ્યારે 4,182 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,60,924 થઈ ગયો છે. તેમાંથી 1,44,507 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 10,482 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,44,507 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 902 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં પ્રથમ વાર 900 કે તેના કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે 608 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 42,722 થઈ ગયો છે. જેમાંથી 10,897 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,055 લોકોના મોત થયા છે અને 29,770 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 13 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,20,92,503 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે સોમવારે 2,86,247 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

coronavirus covid19 national news india maharashtra gujarat