Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 27,114 નવા કેસ, 519ના મોત

11 July, 2020 10:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 27,114 નવા કેસ, 519ના મોત

ધારવીમાં રહેવાસીઓનું હેલ્થ ચૅકઅપ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ (તસવીર: પીટીઆઈ)

દેશમાં છેલ્લા કેટલાકક દિવસોથી કોરોના વાયરસ (COVID-19) સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.

coronavirus covid19 national news india gujarat maharashtra