Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 18,653 કેસ, 507 દર્દીઓના મોત

01 July, 2020 10:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 18,653 કેસ, 507 દર્દીઓના મોત

તસવીર: સતેજ શિંદે

કોરોના વાયરસ (COVID-19)નો કહેર દેશમાં દરરોજ વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારા આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 12,656 લોકો સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે. જેમાંથી 2,20,114 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં 17,400 લોકોએ કોરાનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 3,47,979 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 4,878 નવા કેસ નોંધાયા છે અને 245 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,74,761 થઈ ગઈ છે. જેમાંથી 75,995 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 7,855 લોકોના મોત થયા છે. જ્યારે 90,911 લોકો સારવાર બાદ સાજા થયા છે. જેમાંથી 1,951 લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સામે વિજય મેળવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 17,000ને પાર કરી ગયો છે. તેમાંથી સૌથી વધુ લોકો મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધી રહેલા આંકડા ચિંતાનુ કારણ છે.

ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમિતોનો આંકડો 600ને પાર કરી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 620 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીઓના મોત થયા હતા. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 424 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 32,446 કેસ નોંધાયા છે અને 1,848 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ કુલ 6,928 કેસ એક્ટિવ છે. જ્યારે 23,670 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

coronavirus covid19 india mumbai maharashtra gujarat