Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 19,459 નવા કેસ, 380ના મોત

29 June, 2020 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 19,459 નવા કેસ, 380ના મોત

નવી દિલ્હીમાં ઘરે ઘરે જઈને કોરોનાના સેમ્પલ ભેગા કરવામાં આવી રહ્યાં છે (ફાઈલ તસવીર)

દેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના 19,459 નવા કેસ નોંધાયા છે. જ્યારે 380 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ ભારતમાં સંક્રમિતોની કુલ સખ્યા 5,48,318 થઈ ગઈ છે. જેમાંથી 2,10,120 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 16,475 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 3,21,723 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 5,493 નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓનીસંખ્યા પણ સૌથી વધુ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 156 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખઆયા 1,64,626 થઈ ગઈ છે. જેમાંથી 70,622 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 7,429 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 86,575 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 600 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત બીજા દિવસે 600 કે 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 19 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. આમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો 20થી ઓછો થયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,297 થઈ ગઈ છે અને કુલ 1,809 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 22,808 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 2,889 નવા કેસ નોંધાયા છે અને 65 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. અહીં એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજધાનીમાં 3,306 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં અહીં 83,077 કેસ નોંધાયા છે અને 2,623 લોકોનું મૃત્યુ થયું છે. રાજધાનીમાં અત્યારે 27,847 કેસ એક્ટિવ છે અને કુલ 52,607 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 28 જૂન સુધીમાં કોરોનાના 83,98,362 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 1,70,560 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

coronavirus covid19 india maharashtra gujarat new delhi