Coronavirus Scare: શ્રમિકોનાં વિકલ્પો, હિજરત કરો અને આશરાની રાહ જુઓ

31 March, 2020 02:53 PM IST  |  Mumbai/Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: શ્રમિકોનાં વિકલ્પો, હિજરત કરો અને આશરાની રાહ જુઓ

કોરનાવાઇરસ લૉકડાઉનને કારણે દેશમાં સંજોગો વિકટ થઇ ગયા છે અને એક તરફ લોકો ઘરમાં લૉકડાઉન છે તો બીજી તરફ દહાડિયા મજૂરોની સ્થિતિ કપરી છે કારણકે તેમને અચાનક જ મળેલી રજાને પગલે ધાડેધાડાં પોતાને વતન જવા નીકળી પડ્યાં. ગુજરાતમાં લોકો પગપાળા ચાલતા હતા તો દિલ્હીમાં બસ ડેપો પર હજ્જારોની સંખ્યામાં લોકો ભેગાં થઇ ગયા અને અત્યારના સંજોગોમાં આ જ ટાળવાનું હતું. આ પરિસ્થિતિ નજર સામે આવતા અલગ અલગ રાજ્ય સરકારે પોતાની રીતે પગલાં લેવાનું નક્કી કર્યું.

ગુજરાતઃ રસ્તે રઝળતા અરવલ્લીનાં આશરે

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાંથી ઉદેપુર સુધી પગપાળા જનારાઓને રાજસ્થાન પોલીસે બોર્ડર પર પાછા મૂકી દીધા છે. રાજસ્થાન અને ગુજરાત રાજ્ય સરકાર વચ્ચે હજારો શ્રમિકો અટવાયા છેય ગાંધીનગર આઇજી અને રાજસ્થાનનાં અધિકારીઓ વચ્ચે આ અંગે મંત્રણા થઇ હતી પણ કોઇ આખરી નિર્ણય લેવાયો ન હતો. આ બોર્ડર પર અત્યારે ઉત્તરપ્રદેશ, મધ્યમપ્રદેશ અને રાજસ્થાનનાં શ્રમિકો અટવાયા છે. જો કે ગુજરાત સરકારે આ લોકોને હાલ પુરતા અરવલ્લીમાં રાખવાનો નિર્ણય લીધો છે અને તેમને ત્યાં શેલ્ટર હાઉસમાં રખાશે. આ તરફ રતનપુર બોર્ડર પર લોકોનાં ટોળા છે અને તેમને પોતે પેટ કેમનાં ભરશે એ સુદ્ધાં ખબર નથી.

ગુજરાતમાં સુરતની વાત કરીએ તો કાપડ ઉદ્યોગનાં કારીગરોને માલિકો અને સંસ્થાઓ દ્વારા પેટ ભરવા માટે રોટી તો મળી રહે છે પણ ઘણાં મોડી રાત્રે પોતાના વતન તરફ હિજરત કરવાની શરૂઆત કરી દે છે. જો આ કારીગરો ચાલ્યા ગયા તો સુરતનાં વેપાર ઉદ્યોગને કળ વળતા બહુ તકલીફ પડશે. આ કારીગરો ખેતરો, અંદરના રસ્તાઓ વગેરે દ્વારા હાઇ-વે પહોંચવા પ્રયાસ કરે છે અને આ રીતે જનારાઓની સંખ્યા ચારથી પાંચ હજાર જેટલી છે, તેમ સોમવારે મધરાતથી વહેલી સવારે નોઁધાયું હતું.

મહારાષ્ટ્રઃ રિલિફ કેમ્પમાં કે મદદ વિહોણા?

આ તરફ મહારાષ્ટ્રમાં એવી સ્થિતિ છે કે  ૭૦ હજારથી વધારે શ્રમિકોએ  મહારાષ્ટ્રનાં રિલિફ કેમ્પમાં આશરો લીધો છે.  મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ સોમવારે કરેલી જાહેરાત અનુસાર મહારાષ્ટ્રમાં 262 રિલિફ કેમ્પ ખડા કરાયા છે જ્યાં આ શ્રમિકોને આશરો અને ખોરાક બંન્ને મળી શકશે. ટ્વિટર પર કરેલી જાહેરાત અનુસાર હાલમાં આ કેમ્પ્સ 70,399 શ્રમિકોને આશરો પુરો પાડી રહ્યા છે અને તેમાં માથે છત વગરનાં લોકોને પણ આશરો અપાઇ રહ્યો છે.

જો કે ભિવંડીમાં કામ કરતા 7 લાખ લૂમ કામદારો જે અહીં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશથી આવેલા છે. તેમને સરકાર તરફથી કોઇ સહાય નથી મળી તેવું તેમનું કહેવું છે અને તેમને સ્થાનિકો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી મદદ મળી રહી છે.  

gujarat maharashtra uddhav thackeray coronavirus covid19