ન્યુઝ શોર્ટમાં: નિયંત્રણો સાથે ક્રુઝ ટ્રાવેલિંગની મજા, વાંચો બીજા સમાચાર

18 June, 2021 01:58 PM IST  |  New Delhi | Agency

સ્પેન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટ્રાવેલિંગ પરના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. જોકે અમુક નિયંત્રણો છે છતાં ક્રુઝ ટ્રાવેલની શરૂઆત કરી દેવામાં આવી છે.

એ.એફ.પી.

નિયંત્રણો સાથે ટ્રાવેલિંગની મજા
સ્પેન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટ્રાવેલિંગ પરના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. જોકે અમુક નિયંત્રણો છે છતાં ક્રુઝ ટ્રાવેલની શરૂઆત કરી દેવામાં આવી છે. આ છૂટ અપાયા પછી જર્મન ટ્રાવેલ કંપનીની ક્રુઝ ગઈ કાલે જર્મન પ્રવાસીઓ સાથે ગઈ કાલે દક્ષિણ સ્પેનના મલાગા બંદરે આવી પહોંચી હતી.

રથયાત્રાનો નિર્ણય અમિત શાહ લેશે?
અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિં તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બીજી તરફ, જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનનાં વાઘાં તૈયાર થઈ રહ્યાં છે. જોકે રથયાત્રા નીકળશે અને હા, તો તેનું આયોજન કેવા પ્રકારનું હશે એ વિશે અંતિમ નિર્ણય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૨૧ જૂને અમદાવાદ આવી રહ્યા છે એ દરમ્યાન લેવાય એવી શક્યતા છે.  જોકે હાલ તૈયારી તો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

હૉન્ગકૉન્ગમાં અખબારના પાંચ તંત્રીની ધરપકડ
હૉન્ગકૉન્ગ પોલીસે વિદેશી સત્તા સાથે મળીને ષડ્યંત્ર રચવા બદલ લોકશાહી સમર્થક અખબારના વિવિધ સ્તરના કુલ પાંચ એડિટર્સ અને એક્ઝિક્યુટિવ્ઝની રાષ્ટ્રીય સુરક્ષાના કાયદા હેઠળ ધરપકડ કરી હતી. પ્રેસ સામે આ પ્રથમ વાર આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવતાં પોલીસના આ પગલાને લાંબા સમયથી પોતાની આઝાદી માટે જાણીતા શહેરમાં ચીની અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કડક કાયદાકીય કાર્યવાહીનો વધુ એક સંકેત છે. 
 
બાઇડન-પુતિને ન્યુક્લિયર હથિયારો પર કરી ચર્ચા
સ્વિટ્ઝરલૅન્ડના જીનિવા ખાતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ જો બાઇડનની શિખર મંત્રણામાં રાજદૂતોની સ્થિતિમાં ફેરફાર અને પરમાણુ શસ્ત્રો સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વની બે મહાસત્તા ગણાતાં રાષ્ટ્રોના પ્રમુખો વચ્ચે બુધવારે યોજાયેલી મંત્રણામાં મુખ્યત્વે રાજદૂતો અને સાઇબર સિક્યૉરિટીની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. બન્ને નેતાઓએ પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણોના નવા તબક્કાની ભૂમિકા રચવા બન્ને દેશના રાજદૂતાલયો અને વિદેશ મંત્રાલયોના અમલદારોને સૂચનાઓ આપી હતી.

અદાણી સરકીને હવે થર્ડ નંબરના એશિયાના ધનકુબેર
ગૌતમ અદાણીએ એશિયાના બીજા નંબરના ધનિક તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. શેર માર્કેટમાં અદાણીના શેરમાં કડાકો બોલતા ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ભારે ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં માત્ર ૩ જ દિવસમાં ૯.૪ અબજ ડોલર એટલે આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલ્યોનેર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ બુધવારે ૪ અબજ ડોલર ઘટીને ૬૭.૬ અબજ ડોલર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આશરે ૮૪.૫ અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. 

national news new delhi coronavirus covid19 covid vaccine vaccination drive