કોંગ્રેસનો પ્રહારઃ વડાપ્રધાને ‘કૉવૅક્સિન’ લીધી છતાં યુએસએ જવાની પરવાનગી મળી?

24 September, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ

વૅક્સિન લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તાજેતરમાં જ અમેરિકાના ત્રણ દિવસિય પ્રવાસ પર છે. ત્યારે અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે. હવે કોંગ્રેસે વધુ એક પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ (Digvijaya Singh)એ વડાપ્રધાન મોદીને ‘કૉવૅક્સિન’ લીધા પછિ પણ અમેરિકામાં એન્ટ્રી મળી તે બાબતે પ્રશ્ન કર્યો છે. તેમણે સવાલ કર્યો છે કે, ‘વડાપ્રધાને તો ‘કૉવૅક્સિન’ લીધી હતી તો તેમને અમેરિકા જવાની પરવાનગી કઈ રીતે મળી?’

કોરોના મહામરી બાદ આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે હવે વૅક્સિન અનિવાર્ય છે. ભારતમાં મોટાભાગે બે વૅક્સિન આપવામાં આવી છે. તે છે ‘કૉવીશિલ્ડ’ અને ‘કૉવૅક્સિન’. ભારતમાં બનેલી ‘કૉવૅક્સિન’ને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના અનેક મોટા દેશોમાં માન્યતા આપવામાં નથી આવી. જ્યારે ‘કૉવીશિલ્ડ’ને લગભગ બધા જ દેશોમાં માન્યતા આપવામાં આવી છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું છે કે, ‘જો મને બરાબર રીતે યાદ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કૉવૅક્સિન’ લીધી હતી. જેને અમેરિકામાં મંજૂરી નથી. અથવા તો તેમણે તે સિવાય અન્ય કોઈ વૅક્સિન લીધી છે કે શું કે અમેરિકા પ્રશાસને તેમને પ્રવેશની છૂટ આપી? દેશ જાણવા માગે છે’.

દિગ્વિજય સિંહ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા મારગ્રેટ અલ્વાના દીકતા નિખિલ અલ્વાએ પણ આ મુદ્દે પ્રશ્ન કર્યો છે. નિખિલ અલ્વાએ ટ્વિટ કર્યું છે કે, ‘આપણા વડાપ્રધાનની જેમ મેં પણ આત્મનિર્ભર ‘કૉવૅક્સિન’ લીધી છે. એટલે હું ઈરાન, નેપાળ સિવાય અન્ય દેશોને બાદ કરતા દુનિયાના મોટાભાગના દેશોમાં નથી જઈ શકતો. પરંતુ મને એ જાણીને નવાઈ લાગી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા જવાની પરવાનગી મળી ગઈ છે. અમેરિકાએ ‘કૉવૅક્સિન’ને માન્યતા નથી આપી. ત્યારે એ પ્રશ્ન થાય છે કે તેમણે ખરેખર કઈ વૅક્સિન લીધી હતી’.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧ માર્ચના રોજ દિલ્હીની એમ્સ હૉસ્પિટલમાં ભારતમાં બનેલી ‘કૉવૅક્સિન’નો પહેલો ડોઝ લીધો હતો.

coronavirus covid19 covid vaccine vaccination drive national news congress bharatiya janata party narendra modi digvijaya singh