દિલ્હીઃ શીલા દીક્ષિતના આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

21 July, 2019 08:09 AM IST  |  નવી દિલ્હી

દિલ્હીઃ શીલા દીક્ષિતના આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

શીલા દીક્ષિતના અંતિમ દર્શને પહોંચ્યા નેતાઓ(તસવીર સૌજન્યઃ PTI)

રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસનાં દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત ૮૧ વર્ષનાં હતાં. લાંબા સમયથી બીમાર હતાં.

પેસમેકર યોગ્ય રીતે કામ ન કરતાં અને વધુ તબિયત લથડતાં શનિવારે સવારે શીલા દીક્ષિતને દિલ્હીની એસ્કોર્ટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં હતાં. એસ્કોર્ટ હૉસ્પિટલમાં શીલા દીક્ષિતે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે ૨.૩૦ વાગે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

એસ્કોટ્‌ર્સ ફોર્ટિસ હૉસ્પિટલના નિર્દેશક ડૉ. અશોક શેઠે જણાવ્યું કે, ડૉક્ટરોની એક ટીમ શીલા દીક્ષિતની સતત દેખરેખ રાખી રહી હતી. ૩.૧૫ વાગ્યે તેમને ફરીથી હાર્ટ અટૅક આવ્યો હતો. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં અને ૩.૫૫ વાગ્યે તેમનું નિધન થયું હતું.

શીલા દીક્ષિતના નિધન પર કૉન્ગ્રેસ પાર્ટીએ પણ ટ્‌વીટ કરીને તેમને શ્રંદ્ધાજલિ પાઠવી હતી. શીલા દીક્ષિતના નિધનના સમાચાર સાંભળીને અમને ઘણું દુઃખ થયું. આજીવન કૉન્ગ્રેસને વરેલા અને ત્રણ વખત દિલ્હીના સીએમ તરીકે રહી તેમણે દિલ્હીનો ચહેરો બદલી નાખ્યો હતો. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ અમને સહાનુભૂતિ છે.

વડા પ્રધાન મોદીએ પણ શીલા દીક્ષિતના નિધન અંગે ટ્‌વીટ કરીને તેમના પરિવારજનો પ્રતિ સહાનુભૂતિ દર્શાવી હતી અને તેમનો અને શીલા દીક્ષિતની મુલાકાતનો ફોટો પણ શૅર કર્યો હતો. ૧૯૯૮થી લઈને ૨૦૧૩ એમ તેઓ ૧૫ વર્ષ સુધી દિલ્હીનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં. હાલના સમયે તેમની પાસે કૉન્ગ્રેસના દિલ્હી અધ્યક્ષપદની જવાબદારી પણ હતી. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડ્યાં હતાં. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
૨૦૧૪માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યાં હતાં. જોકે તેમણે ૨૫ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ રાજીનામું આપી દીધું હતું. શીલા દીક્ષિત ૧૯૮૪થી ૧૯૮૯ સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યાં હતાં. ૧૯૮૬-૧૯૮૯ સુધી તેઓ કેન્દ્રીયપ્રધાન પણ રહી ચૂક્યાં છે.

 આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

૨૦૧૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રધાનપદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં.
શીલા દીક્ષિતે પહેલી વાર ૧૯૮૪માં કન્નોજ સીટથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે સપાના છોટેસિંહ યાદવને હરાવ્યા હતા. ૧૯૮૪થી ૧૯૮૯ સુધી સાંસદ રહેવા દરમ્યાન તેઓ યુનાઈટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઑફ વીમેનમાં ભારતના પ્રતિનિધિ રહી ચૂક્યાં છે. ત્યાર પછી ૧૯૯૮માં તેઓ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યાં અને ૨૦૧૩ સુધી આ પદ પર રહ્યાં.
શીલા દીક્ષિતે છેક સુધી સક્રિય રાજકારણીની ભૂમિકા નિભાવી હતી. છેલ્લે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ઉત્તર-પૂર્વ દિલ્હીથી કૉન્ગ્રેસની ટિકિટ પર લડ્યાં હતાં અને કુલ ૪,૨૧,૬૮૭ મત મળ્યા હતા. બીજેપીના ઉમેદવાર મનોજ તિવારીએ આ બેઠક ઉપર ૩,૬૬,૧૦૨ મતે જીત મેળવી હતી.

sheila dikshit congress