11 August, 2025 12:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગંગાસફાઈ કરવા જાગૃતિ ફેલાવવા માટે લોકપ્રિય કૉમિક પાત્રોની વાર્તા સાથે કૉમિક્સ પ્રકાશિત થઈ
નૅશનલ મિશન ફૉર ક્લીન ગંગા (NMCG) અને ડાયમન્ડ બુક્સ પ્રકાશન વચ્ચેના સહયોગના ભાગરૂપે પ્રકાશિત થયેલી નવી વાર્તાઓમાં રમૂજ અને પર્યાવરણીય જાગૃતિને એવી રીતે મિશ્રિત કરવામાં આવી છે જે ફક્ત ચાચા ચૌધરી જ કરી શકે છે. જેમનું મગજ કમ્પ્યુટર કરતાં પણ ઝડપથી કામ કરે છે એવા ભારતના લોકપ્રિય કૉમિક હીરો ચાચા ચૌધરી તેમના સાથી સાબુ સાથે મિશન ક્લીન ગંગામાં જોડાશે અને નદીના સ્વાસ્થ્ય માટે જોખમી ખલનાયકો સામે લડશે.
નવાં પ્રકાશિત કૉમિક્સ આ પરિચિત જોડીને ચાર નવાં સાહસોમાં લઈ જાય છે, દરેક ગંગા ઇકોસિસ્ટમના એક અનોખા પાસાને પ્રકાશિત કરે છે. એક શિકારવિરોધી વાર્તામાં ચાચા ચૌધરી મૈત્રીપૂર્ણ ડૉલ્ફિન સાથે હાથ મિલાવે છે જે નદીની જૈવવિવિધતાનું પણ પ્રદર્શન કરે છે. અવિરત (સદા વહેતી) અને નિર્મલ (સ્વચ્છ) ગંગામૈયામાં ચાચા ચૌધરી અને સાબુ ખાતરી કરે છે કે પ્રદૂષકો અને ગેરકાયદે ડમ્પરોને ન્યાયનો સામનો કરવો પડે. ત્રીજા સાહસમાં એક બુદ્ધિશાળી વૃદ્ધ કાચબાની વાત છે જે નદી અને જીવન વચ્ચેના વર્ષો જૂના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. ઑક્ટોબર ૨૦૨૧માં NMCG દ્વારા ચાચા ચૌધરીને નમામિ ગંગે કાર્યક્રમના મૅસ્કોટ જાહેર કરવામાં આવ્યા હતા.