કેન્દ્રે સુપ્રીમને કહ્યું, સરકાર કોરોનાની વૅક્સિનથી મૃત્યુ માટે જવાબદાર નથી

30 November, 2022 11:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોરોનાની રસીની વિપરીત અસરો માટે સરકારને જવાબદાર ન ઠરાવી શકાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

નવી દિલ્હી : કોરોનાની વૅક્સિનથી મૃત્યુની બાબતે કેન્દ્ર સરકારે કોઈ પણ જાતની જવાબદારી સ્વીકારવાથી હાથ ખંખેરી નાખ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોરોનાની રસીની વિપરીત અસરો માટે સરકારને જવાબદાર ન ઠરાવી શકાય. તાજેતરમાં એક સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જે કેસમાં મૃત્યુનું કારણ વૅક્સિન હોવાનું બહાર આવ્યું હોય તો એવી સ્થિતિમાં એકમાત્ર ઉપાય સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરીને વળતર માગવાનો છે.

ગયા વર્ષે કોરોનાની રસી આપ્યા બાદ મૃત્યુ પામેલી બે છોકરીનાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ અરજીમાં આ મોતની સ્વતંત્ર તપાસ કરાવવાની તેમ જ રસીકરણના પગલે વિપરીત અસરોનાં વહેલાં નિદાન અને સમયસર સારવાર માટે પ્રોટોકૉલ તૈયાર કરવા એક્સપર્ટ મેડિકલ બોર્ડની રચના કરવાની માગણી કરવામાં આવી હતી. જેના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે રસીકરણની વિપરીત અસરના કારણે અત્યંત દુર્લભ મૃત્યુ માટે વળતર પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવવી કદાચ અયોગ્ય છે. 

national news indian government covid vaccine supreme court new delhi