સાવધાનઃ દેશમાં કોરોનાનાં કેસ વધુ ઘટવાને બદલે ૧૪,૦૦૦ વધી ગયા

29 July, 2021 11:41 AM IST  |  New Delhi | Agency

કેરલામાં બીજી લહેર બાદ પહેલી વાર એક દિવસમાં ૨૨,૦૦૦ નવા કેસ ઃ નવા ૬૫ ટકા કેસ સાત રાજ્યોમાંથી આવ્યા

સાવધાનઃ દેશમાં કોરોનાનાં કેસ વધુ ઘટવાને બદલે ૧૪,૦૦૦ વધી ગયા

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસોમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૬૫૪ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૬૪૦ લોકોનાં મોત થયાં છે. આગલા દિવસના ૩૦,૦૦૦થી પણ ઓછા કેસ હતા એની સામે એમાં હવે ૧૪,૦૦૦નો દૈનિક વધારો જોવા મળ્યો છે. એની સામે છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૬૭૮ દરદી સાજા થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૩,૯૯,૪૩૬ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં અડધાથી વધુ કેસ માત્ર કેરલામાં છે. કેરલામાં મંગળવારે કોરોનાના ૨૨,૧૨૯ નવા કેસ સામે આવ્યા છે જે ૨૯ મે બાદ એક દિવસમાં મળેલી સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે.
દેશમાં રિકવરી રેટની વાત કરીએ તો એ ૯૭.૩૯ ટકા છે. અત્યાર સુધી કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ૩,૦૬,૬૩,૧૪૭ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં આવેલા કેસમાં ૬૫ ટકા ઉપરના કેસ સાત રાજ્યોમાંથી જ આવ્યા છે. આ રાજ્યો છે કેરલા, મિઝોરમ, મણિપુર, આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ અને સિક્કિમ. કેરલામાંથી ૨૨,૧૪૯, મિઝોરમમાંથી ૧૮૪૫, મણિપુરમાંથી ૧૧૬૫, આસામમાંથી ૧૪૩૬, મેઘાલયમાંથી ૭૧૦, ત્રિપુરામાંથી ૮૧૯ અને સિક્કિમમાંથી ૪૪૦ નવા કેસ આવ્યા છે.

new delhi national news coronavirus covid vaccine covid19