21 May, 2025 09:25 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પંજાબમાં અમ્રિતસરની નજીક આવેલા અટારીમાં બીટિંગ રિટ્રીટ સેરેમની વખતે ભારતીયો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દસમી મેએ યુદ્ધવિરામ થયા બાદ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) દ્વારા મંગળવાર સાંજથી પંજાબની અટારી-વાઘા, હુસૈનીવાલા અને ફાજિલ્કા સરહદ પર નાના સ્તરે બીટિંગ રિટ્રીટ સેરેમની ફરી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે પાકિસ્તાન સાથે વિવાદ ચાલતો હોવાના કારણે એમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ સેરેમની બાદ ઔપચારિક રીતે બૉર્ડર પરના ગેટ ખોલવામાં આવતા હતા અને બન્ને દેશના સેનાના જવાનો એકબીજાના હાથ મિલાવતા હતા. જોકે પાકિસ્તાન સાથે વિવાદના કારણે આ તમામ પ્રક્રિયા બંધ રહેશે અને પાકિસ્તાનને સંપૂર્ણ નજરઅંદાજ કરાશે. સામાન્ય લોકોને જોવાની મંજૂરી હશે.
બીટિંગ રિટ્રીટ સેરેમની વિશે જાણો
અટારી-વાઘા બૉર્ડર પર આ બીટિંગ રિટ્રીટ સેરેમની એક દૈનિક સમારોહ છે. આ સેરેમની ૧૯૫૯થી ભારત (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ-BSF) અને પાકિસ્તાન (પાકિસ્તાન રેન્જર્સ)નાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે ઊજવવામાં આવી રહી છે. આ સમારોહના અંતે BSF અને પાકિસ્તાન રેન્જર્સના સૈનિકો ઔપચારિક રીતે હાથ મિલાવે છે અને થોડી ક્ષણો માટે ગેટ ખોલવામાં આવે છે. જોકે પહલગામ આતંકવાદી હુમલા અને ઑપરેશન સિંદૂર બાદ સુરક્ષાના કારણસર આ સમારોહ રદ કરી દેવાયો હતો, પરંતુ હવે એ કેટલાક ફેરફારો સાથે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.