29 May, 2025 07:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી સ્વીકારતા વેદાંત આચાર્ય જોનસ મસેટ્ટી.
બ્રાઝિલમાં જન્મેલા વેદાંત આચાર્ય જોનસ મસેટ્ટીને મંગળવારે રાષ્ટ્રપતિભવનમાં આયોજિત પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને ઉઘાડા પગે અવૉર્ડ સ્વીકારતા જોવા મળે છે. આ સમયે તેમનો ચહેરો દેદીપ્યમાન નજરે પડે છે. આચાર્ય મસેટ્ટીએ આ અવૉર્ડ માટે ભારતનો આભાર માન્યો છે. પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેમણે કહ્યું હતું કે પદ્મશ્રી તેમના માટે એક મહાન આશીર્વાદ છે, આ પુરસ્કાર યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષવામાં મદદરૂપ થશે.
કોણ છે આચાર્ય જોનસ મસેટ્ટી?
જોનસ મસેટ્ટીનું જીવન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. તેમનો જન્મ બ્રાઝિલમાં થયો હતો. તેમણે મેકૅનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો અને શૅરબજારમાં પણ કામ કર્યું હતું. જોકે જીવનશૈલીથી સંતુષ્ટ ન હોવાથી તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા અને ભારતમાં આવ્યા હતા. અહીં તેમણે તામિલનાડુમાં વેદાંત અને યોગનો અભ્યાસ કર્યો હતો અને આચાર્ય દયાનંદ સરસ્વતીના આશ્રમમાં વેદાંત શિક્ષણ મેળવ્યું હતું. ભારતમાં શિક્ષણ મેળવ્યા પછી તેમણે બ્રાઝિલના પેટ્રોપોલિસમાં વિશ્વ વિદ્યા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા બ્રાઝિલ અને અન્ય દેશોમાં વેદાંત, યોગ, સંસ્કૃત, ગીતા અને રામાયણનો પ્રચાર કરે છે. અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ સ્ટુડન્ટ્સ તેમના ઉપદેશોથી પ્રભાવિત થયા છે.
ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે સન્માન
ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ભારત સરકારે વેદાંત આચાર્ય જોનસ મસેટ્ટીને આ સન્માન આપ્યું છે. ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના સમર્પણ અને વૈશ્વિક સ્તરે એના પ્રચાર માટે તેમને આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વેદાંત આચાર્ય જોનસ મસેટ્ટીને વિશ્વનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમની પ્રશંસા કરી હતી અને તેમને ભારતના સાંસ્કૃતિક રાજદૂત કહ્યા હતા.